April 29, 2025

અંજાર નગર પ્રાથમિક શાળા નં-17માં શ્રી બીપીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અભૂતપૂર્વ વિકાસ

અંજાર, એપ્રિલ, 2025 : “આચરણ કરે તે આચાર્ય” – આ ઉક્તિને સાચો અર્થ આપનાર અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર 17ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી બીપીનભાઈ પટેલ છે. એપ્રિલ 2023 થી એપ્રિલ 2025 દરમિયાનના બે વર્ષના તેમના કાર્યકાળમાં શાળામાં એવી નવી ઉજાસ ફેલાઈ છે કે, આજે શાળા માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી રહી, પણ બાળકોના સર્વાંગી વિકાસનું આદર્શ કેન્દ્ર બની ગઈ છે. શ્રેષ્ઠ પ્રબંધન, દૃઢ પ્રતિબદ્ધતા અને ઉન્નત અભિગમ દ્વારા તેમણે શાળાને જીવંત અને ધમધમતી બનાવી છે.

સરકારશ્રીના અભિગમ અનુસાર પ્રવેશોત્સવ દરમિયાન 100% નામાંકન હાંસલ કરવાનું મુશ્કેલ કાર્ય શાળાએ સતત મહેનતથી સિદ્ધ કર્યું છે. આજ પરિસ્થિતિ એવી છે કે શહેરની પ્રખ્યાત ખાનગી શાળાઓમાંથી પણ બાળકો શાળા નં-17માં પ્રવેશ મેળવવા માટે ઉત્સાહિત થયા છે. આ કાર્ય પાછળ તેમને શિક્ષણ સાથે જીવનલક્ષી મૂલ્યો આપવાના પ્રયાસો રહેલા છે, જ્યાં માત્ર ભણતર નહીં પરંતુ જીવન માટે જરૂરી નૈતિકતા અને પ્રયોગાત્મકતા વિકસાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓની નિયમિત હાજરી વધારવા માટે દર મહિને શ્રેષ્ઠ હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રેરણા પૂરાઈ છે. શાળા માટે સૌથી ગર્વની વાત એ રહી કે બાળકોને પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાવડાવવામાં આવી — બાળમેળા, વિજ્ઞાનમેળા, કલા ઉત્સવો, રમતોત્સવો અને પ્રશ્નમંચ જેવી પ્રવૃત્તિઓમાં બાળકોના ઉત્સાહજનક ભાગીદારી અને બહેતર દેખાવથી શાળાનો મોખરાનો દરજ્જો સ્થપાયો છે.

શૈક્ષણિક દ્રષ્ટિએ, ‘ભારત કો જાનો’ જેવી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા, જિલ્લા અને ઝોન સ્તરે શ્રેષ્ઠ સ્થાનો મેળવ્યા છે. સરકારી તથા ખાનગી સ્તરે યોજાતી CET, NMMS, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ અને હિન્દી વર્ધા પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે અને શાળાનું નામ તેજસ્વી બનાવ્યું છે.

અંદર અને બહારના શૈક્ષણિક અનુભવ માટે શાળાએ વિદ્યાર્થી પ્રવાસોની ભવ્ય પરંપરા ઊભી કરી છે. માત્ર 2500-3500 રૂપિયામાં જેમ કે જયપુર, દિલ્હી, અમૃતસર, હરિદ્વાર અને ઋષિકેશ જેવા શહેરોમાં પ્રવાસો યોજવામાં આવ્યા હતા. આવા અનુભવોથી વિદ્યાર્થીઓમાં વિશ્વદર્શન અને સ્વાવલંબનનો વિકાસ થયો છે. પ્રિ-વોકેશનલ કોર્સ અંતર્ગત કારીગરો અને વ્યવસાયકારો દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને વેલસ્પન કંપની દ્વારા વ્યવસાયલક્ષી અભિયાન શાળામાં યોજાયું હતું.

પર્યાવરણની દિશામાં પણ શાળાએ નોંધપાત્ર કાર્યો કર્યા છે. ઈકો ક્લબની ગ્રાન્ટ દ્વારા શાળાના બાગમાં વૃક્ષારોપણ કરી શાળાને નંદનવન બનાવી દીધી છે. ભૌતિક સુવિધાઓ માટે શૌચાલયોની સુધારણા, વર્ગખંડોમાં પંખા, ટેબલ અને પગરખાં સ્ટેન્ડ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જે બાળકોના આરામ અને ભણતર બંને માટે અનુકૂળ સાબિત થઈ છે.

આ ઉપરાંત શાળાએ ટેક્નોલોજીની દિશામાં પણ મોટા પગલાં ભર્યા છે. દરેક વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ અને ગ્રીન બોર્ડ જેવા આધુનિક ઉપકરણો દ્વારા ભણતર વધુ રસપ્રદ અને અસરકારક બનાવાયું છે. પ્રાઇવેટ સંસ્થાઓ અને સ્થાનિક ઉદ્યોગો સાથે મજબૂત સહયોગ સ્થાપી Welspun ફાઉન્ડેશનથી આર.ઓ. પ્લાન્ટ અને IDBI બેંક તરફથી સેન્ડ ફિલ્ટર જેવી જીવનોપયોગી સગવડતા પ્રાપ્ત કરવામાં આવી છે.

શાળામાં વાર્ષિક ઉત્સવો અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ઉજવાતા વિશેષ શુભેચ્છા સમારંભો પણ શાળાની નવી ઓળખ બની ચૂક્યા છે. વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પ્રગતિને ઉજાગર કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ટ્રોફીઓ અને પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવે છે, જે બાળકોને પોતાની ક્ષમતા મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે.

મધ્યાન ભોજન યોજનામાં પણ ગુણવત્તા જાળવી પૌષ્ટિક આહાર પહોંચાડવા માટે સતત દેખરેખ અને સુધારણા કરવામાં આવી છે. પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓની 100% હાજરી માટે અને શાળાની સંખ્યામાં સતત વધારો થાય એ માટે આચાર્યશ્રીએ સતત પ્રયાસો કર્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રશ્નોનું તત્કાલ નિવારણ અને સમગ્ર શાળા પરિવારમાં એકત્વ સર્જવામાં પણ તેઓએ સકારાત્મક નેતૃત્વ પુરું પાડ્યું છે.

“આપણી શાળા મજાની શાળા” — આ ઉદ્દઘોષવાક્યને જીવન્ત કરતા, શ્રી બીપીનભાઈ પટેલે અંજાર નગરપાલિકા સંચાલિત શાળા નં-17ને માત્ર શૈક્ષણિક પરંતુ સંસ્કારાત્મક વિકાસ માટે પણ એક પ્રેરણાદાયી સંસ્થા બનાવી છે. તેમના પ્રયત્નોથી શાળા આજે નવું તેજ લઈ રહી છે અને ભવિષ્યમાં વધુ ઉજ્જવળ બનવાની પૂરી સંભાવના ધરાવે છે.