October 17, 2025

બોલીવુડના સ્ટાર્સ વચ્ચે ગુજરાતનો અવાજ : ફિલ્મફેર 2025માં અમદાવાદની પ્રિયા સરૈયાએ બેકસ્ટેજ એન્કર તરીકે આપ્યો પોતાનો જાદુઈ અવાજ

અમદાવાદની પ્રતિભાશાળી એન્કર પ્રિયા સરૈયા માટે આ વર્ષ એક સપનાની સાકાર ક્ષણ લઈને આવ્યું છે. 11 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદમાં યોજાયેલા 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં પ્રિયાની પસંદગી બેકસ્ટેજ એન્કર તરીકે કરવામાં આવી હતી  અને આ રીતે તે અમદાવાદમાંથી પસંદ થનારી એકમાત્ર એન્કર બની હતી. ગુજરાતી ભાષાના પ્રતિનિધિત્વ સાથે આવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચ પર અવાજ આપવા મળવું એ પ્રિયા માટે ગૌરવની વાત રહી.

પ્રિયા કહે છે, “ફિલ્મફેર એવોર્ડ્સમાં ભાગ લેવું એ મારા માટે એક સપનું સાકાર થવા જેવું હતું. તેઓને બેકસ્ટેજ માટે ગુજરાતી એન્કરની જરૂર હતી અને મારી પસંદગી થઈ. મારી આ પસંદગી ગુજરાતી ભાષા માટે થઈ એ વાતનો મને ગર્વ છે.”

બેકસ્ટેજ એન્કર તરીકે પ્રિયાએ મોટો પડકાર સ્વીકાર્યો. તે કહે છે, “બેકસ્ટેજ એન્કરિંગ એટલા માટે ચેલેન્જિંગ છે કે સ્ટેજ પરના કલાકારોને ઑડિયન્સની એનર્જી મળે છે, પરંતુ અમારે માઇક પાછળથી એ જ ઉત્સાહ અને એનર્જી આપવી પડે છે. વોઇસ-ઓવર આર્ટિસ્ટ તરીકે મેં જે ટ્રેનિંગ લીધી છે એ અહીં બહુ ઉપયોગી સાબિત થઈ.” રાજેશ કાવા પાસેથી લીધેલી વોઇસ-ઓવર ટ્રેનિંગના અનુભવથી તેને બેકસ્ટેજ એન્કરિંગમાં આત્મવિશ્વાસ મળ્યો.

પ્રિયા કહે છે કે સ્ટેજ પરના કરણ જોહર અને મનીષ પૌલ જેવા દિગ્ગજ હોસ્ટિંગ કરી રહ્યાં હતા, તેમના રિહર્સલ્સ જોયા અને શાહરૂખ ખાન જેવા મહાન કલાકારને મળવાનો અવસર પણ મળ્યો તે મારા માટે યાદગાર રહ્યો. શાહરૂખ સરને મળવું એ મારા માટે એક સ્વપ્ન જેવી પળ હતી.”     

પ્રિયા માટે આ સિદ્ધિ સુધીનો માર્ગ સહેલો ન હતો. 2017માં તેણે પોતાના કરિયરનો આરંભ મેકઅપ અને હેરસ્ટાઇલિસ્ટ તરીકે કર્યો હતો અને પછી ધીમે ધીમે એન્કરિંગ તરફ આગળ વધી.  આરજે બનવાનું સ્વપ્ન હતું પરંતુ ડેસ્ટિનીથી તેઓ એન્કરિંગના ક્ષેત્રમાં આવ્યા અને આજે તેઓ અદ્ભૂત પરફોર્મ કરી રહ્યાં  છે. એ કહે છે, “ક્લાયન્ટના રિસ્પોન્સ મને હંમેશા પ્રોત્સાહન આપે છે. પછી ભલે એ ફિલ્મફેર જેવા મોટા ઇવેન્ટ હોય કે લોકલ કોઈ નાનું ફંક્શન, હું મારું 100% આપું છું.”

પ્રિયા માને છે કે એન્કરિંગ માત્ર ગ્લેમર અને ગુડ લુક્સ પર આધારિત નથી. આ ક્ષેત્રમાં પોતાનો અવાજ, અભિવ્યક્તિ અને પ્રોફેશનલિઝમ જ સાચી ઓળખ બનાવે છે.”ફિલ્મફેર માટે પસંદગી મળ્યા પછી શરૂઆતમાં તેને વિશ્વાસ નહોતો આવ્યો. “મને જ્યારે કોલ આવ્યો ત્યારે મેં વારંવાર પૂછ્યું કે તમને મારો નંબર ક્યાંથી મળ્યો? તેઓએ કહ્યું કે ઇન્ટરનેટ પરથી મળ્યો. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ આ ફેક કોલ હશે, પરંતુ પછી ફિલ્મ ફેરના એક દિવસ અગાઉ જ ઓફિશિયલ કૉન્ફરન્સ કોલ આવ્યો અને ખબર પડી કે આ ખરેખર સાચું છે.”- પ્રિયાએ જણાવ્યું એન્કરિંગ માટે તૈયારી દરમિયાન પ્રિયાએ પોતાની અવાજની ખાસ કાળજી લીધી. “એન્કરિંગમાં વોઇસ ક્લિયર રાખવો સૌથી અગત્યનો છે. તેથી હું સ્વીટ્સ અબે  ઠંડા પીણાં અવોઈડ કરું છું. ગળાને આરામ આપું છું  અને અવાજ મજબૂત રાખવા માટે ખાસ ઉપાય અપનાવું છું. ફિલ્મફેર પછી તેના પરિવારજનો, મિત્રો અને ઓળખીતાઓ તરફથી અભિનંદનના ફોન આવવા લાગ્યા. “મારું ઘર એવું લાગતું હતું કે જાણે તહેવાર ઉજવી રહ્યું હોય. જે મહેનત વર્ષોથી કરી હતી, તે માટે સ્વીકાર મળવો અદભૂત લાગ્યું,” પ્રિયા કહે છે.

પ્રિયા માટે એન્કરિંગ માત્ર વ્યવસાય નથી, એ તેના જીવનનો શ્વાસ છે. “શરૂઆતમાં સપોર્ટ હંમેશા મળતો નથી, પરંતુ દૃઢ નિશ્ચય અને તમારા કામ પ્રત્યેનો પ્રેમ તમને આગળ લઈ જાય છે. આખરે લોકો તમારી મહેનતને ઓળખે છે,” તે ઉમેરે છે.આ રીતે પ્રિયા સરૈયાએ ફિલ્મફેર જેવા ભવ્ય મંચ પર ગુજરાતનો અવાજ બનીને પોતાના શહેર અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે.