અમદાવાદ : ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ, પ્રોડ્યુસર આલાપ કિકાણી અને પ્રોડ્યુસર ચૌલા દોશી એ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી. આ ફિલ્મ આગામી 30 જાન્યુઆરી, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લિખિત અને ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટીવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોશિએશન સાથે નિર્માણ થયેલ છે. આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. મુખ્ય કલાકારો ઉપરાંત સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી અને આકાશ ઝાલા જેવા દિગ્ગજ કલાકારો મહત્વના રોલમાં છે.
ફિલ્મની વાર્તા અંગે જણાવીએ તો, “એક માણસ જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે, પરંતુ જો તે ખરેખર દોષિત હોય અને તેમ છતાં નિર્દોષ સાબિત થાય તો? માનવ (ગૌરવ પાસવાલા) એક મહત્વાકાંક્ષી છતાં જમીન સાથે જોડાયેલો કોર્પોરેટ પ્રોફેશનલ છે, જેનું જીવન આદર્શ લાગે છે. તેની પત્ની નિત્યા (શ્રદ્ધા ડાંગર) તેની તાકાત છે અને તેમનું લગ્નજીવન એકદમ સુખી છે. પરંતુ અચાનક જ માનવની આ સપના જેવી દુનિયા વિખેરાઈ જાય છે. સર્જાયેલી અરાજકતામાં માનવ બધી ઘટનાઓ માટે પોતાને જવાબદાર માને છે. અપરાધભાવથી પીડાતો માનવ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું નક્કી કરે છે, પરંતુ વાર્તા ત્યારે વિચિત્ર વળાંક લે છે જ્યારે દરેક પુરાવા માનવના નિવેદનને પડકારે છે. તે જ્યારે આત્મશંકાના વમળમાં ફસાય છે, ત્યારે સત્ય બહાર આવે છે. “પાતકી” એ જ દર્શાવે છે કે આપણે બધા એક સ્તરે નિર્દોષ છીએ અને બીજા સ્તરે દોષિત.
આ ફિલ્મ થકી પ્રેક્ષકોને સસ્પેન્સનો એક નવો જ સ્તર જોવા મળશે. એક એવી વાર્તા જે તમને દરેક ક્ષણે વિચારતા કરી દેશે. ‘પાતકી’ માત્ર એક ફિલ્મ નથી, પણ માનવ મનની જટિલતાઓની સફર છે.
‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ દ્વારા નિર્મિત અને પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરિત આ ફિલ્મ 30 જાન્યુઆરીએ ગુજરાત અને મુંબઈ ઉપરાંત યુએસ, યુકે, કેનેડા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ રિલીઝ થશે.

More Stories
દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ લઈને આવશે ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’; 20 ફેબ્રુઆરીએ થશે રિલીઝ
કરુણા અને માનવતાની કહાની દર્શાવતી ફિલ્મ ‘જીવ’નું મોશન પોસ્ટર લોન્ચ, 21 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
વિશ્વગુરુ’નો મ્યુઝિક અને પોસ્ટર થયું લોન્ચ – 1 ઓગસ્ટ 2025થી થિયેટરમાં મળશે જોવા