May 15, 2026

ફિલ્મ રિવ્યુ: ‘ધરપકડ’ – ડિજિટલ યુગનું અદ્રશ્ય જોખમ અને જકડી રાખતો રોમાંચ

રેટિંગ: ★★★★☆ (4/5)

મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી, પ્રશાંત બારોટ, જય ભટ્ટ, પ્રતીક રાઠોડ

દિગ્દર્શક: અનિશ શાહ

  • વિષયવસ્તુ: માત્ર મનોરંજન નહીં, વાસ્તવિકતાનો અરીસો

આજે જ્યારે આપણું આખું જીવન સ્માર્ટફોન અને ઇન્ટરનેટની આસપાસ સીમિત થઈ ગયું છે, ત્યારે આપણી જાણ બહાર આપણે સાયબર ગુનેગારોને આપણો ડેટા પ્લેટમાં સજાવીને આપી રહ્યા છીએ. દેશમાં હાલમાં ચાલી રહેલા સૌથી ગંભીર સ્કેમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ભારતની આ પ્રથમ ફિલ્મ છે. ‘ધરપકડ’ એ માત્ર સિનેમા નથી, પણ ડિજિટલ દુનિયામાં જીવતા દરેક નાગરિક માટે આંખ ઉઘાડનારો કિસ્સો (આઇ-ઓપનર) છે.

·         વાર્તાનો પ્રવાહ: સંવેદના અને સસ્પેન્સનો સંગમ

વાર્તા મધ્યમવર્ગીય પરિવારના યુવાન અર્જુન શાહ (મલ્હાર ઠાકર)ની આસપાસ વણાયેલી છે. એક તરફ અર્જુનની માતા હોસ્પિટલના બિછાને છે અને પરિવાર આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે જ તેના પિતા ભદ્રેશ શાહ (પ્રશાંત બારોટ) પર એક અજાણ્યો ફોન કોલ આવે છે. “તમારો દીકરો અર્જુન પોલીસ કસ્ટડીમાં છે” – આ એક વાક્ય સામાન્ય પરિવારની આખી દુનિયા વેરવિખેર કરી નાખે છે.

પોલીસના સ્વાંગમાં આવતા ફેક વીડિયો કોલ્સ અને સ્કેમર્સ કેવી રીતે ડેટાનો ઉપયોગ કરીને સોફ્ટ ટાર્ગેટ નક્કી કરે છે, તેનું આબેહૂબ અને રબડાટા ઊભા કરી દે તેવું ચિત્રણ ફિલ્મમાં કરાયું છે. ઘરની ચાર દીવાલો વચ્ચે જ કેદ થઈને લાખો રૂપિયા ગુમાવવાની લાચારી અને ત્યારબાદ અર્જુન કેવી રીતે આ અદ્રશ્ય ડિજિટલ માફિયાઓ સામે મોરચો માંડે છે, તે ફિલ્મનો મુખ્ય રોમાંચ છે.

અભિનય: કલાકારોની લાજવાબ જુગલબંદી

  • મલ્હાર ઠાકર: ગુજરાતી સિનેમાના આ સુપરસ્ટારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ગંભીર પાત્રોને પણ કેટલી સહજતાથી ભજવી શકે છે. એક લાચાર દીકરાથી લઈને સાયબર ઠગ્સ સામે લડતા મક્કમ યુવાન તરીકેનો તેનો આક્રોશ સ્ક્રીન પર દેખાઈ આવે છે.
  • શ્રુહદ ગોસ્વામી: ‘બંટી’ (અર્જુનનો મિત્ર) ના પાત્રમાં શ્રુહદે શાનદાર પર્ફોર્મન્સ આપ્યો છે. મલ્હાર અને શ્રુહદની નવી જોડી આખી વાર્તામાં મિત્રતા અને લાગણીઓનો એક મજબૂત આધાર સ્તંભ બને છે.
  • સહ-કલાકારો: પ્રશાંત બારોટ અને જય ભટ્ટ જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની પરિપક્વ એક્ટિંગથી વાર્તાની ગંભીરતાને ઓર મજબૂત બનાવી છે. પ્રતીક રાઠોડ, આરતી દેસાઈ, રવિ રંજન અને શૃંગાર રુઘાનીએ પણ પોતાના પાત્રોને પૂરતો ન્યાય આપ્યો છે.

·         દિગ્દર્શન અને લેખન: ચુસ્ત અને સંશોધનાત્મક

દિગ્દર્શક અનિશ શાહે એક જટિલ ટેકનિકલ વિષયને અત્યંત સરળ ભાષામાં સામાન્ય દર્શક પણ સમજી શકે તે રીતે રજૂ કર્યો છે. ફિલ્મની સ્પીડ ક્યાંય ધીમી પડતી નથી, જે થ્રિલર ફિલ્મ માટે સૌથી પ્લસ પોઈન્ટ છે. લેખકો હિમાલય દવે, અંકિત ગોર અને દેવ મહેતાએ ‘ડિજિટલ અરેસ્ટ’ના દરેક પાસાં, કાયદાકીય છટકબારીઓ અને સાયબર ક્રાઈમની મોડસ ઓપરેન્ડી પર ઘણું ઊંડું રિસર્ચ કર્યું હોય તે સ્ક્રીન પર સ્પષ્ટ વર્તાય છે.

‘ધરપકડ’ એ ફક્ત ટાઈમપાસ મનોરંજન નથી, પરંતુ વર્તમાન સમયની એક અત્યંત જરૂરી ક્રાઈમ થ્રિલર છે. જો તમે કંઈક નવું, અર્થસભર અને બુદ્ધિગમ્ય સિનેમા જોવાના શોખીન હોવ, તો આ વીકેન્ડ પર પરિવાર સાથે આ ફિલ્મ ચોક્કસ જોવા જેવી છે. આ ફિલ્મ જોવી એ માત્ર મનોરંજન નથી, સુરક્ષિત રહેવા માટેની સાવચેતી પણ છે.