October 21, 2026

શેમારૂમીની ‘હજુ વાત ચાલે છે’ સાથે જામશે લગ્નની વાતોનો રંગ, જાન્હવી ગુરનાની અને રૌનક કામદાર મુખ્ય ભૂમિકામાં

જાન્હવી ગુરનાની અને રૌનક કામદાર એક હળવી, રમૂજી અને રોજિંદા જીવનની નજીકની ગુજરાતી ઓરિજિનલ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં છે, જે રિશ્તા, મુલાકાતો, પરિવારના અભિપ્રાયો અને પોતાની સાચી ઇચ્છાઓ જાણવા માટે મક્કમ એક યુવતીની સફરને રજૂ કરે છે.~

ઘણા ભારતીયો માટે યોગ્ય જીવનસાથી શોધવો એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેની વાત નથી. આ એક પારિવારિક પ્રસંગ છે, જેમાં ઓળખાણો, પહેલી મુલાકાતની અસહજ પળો, સવાલોનો મારો અને ટેબલની આસપાસ બેઠેલા દરેક વ્યક્તિના અભિપ્રાયો સામેલ હોય છે. ગુજરાતી સમાજમાં લગ્ન માટે થતી જાણીતી મુલાકાતોના આ અનુભવને આધુનિક અંદાજમાં જીવંત બનાવતાં, શેમારૂ પ્રીમિયર લઈને આવ્યું છે ‘હજુ વાત ચાલે છે’. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રાહુલ ભોળે અને વિનિત કનોજિયા દ્વારા નિર્મિત આ ઓરિજિનલ સિરીઝનો પ્રીમિયર ૨૨મી ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ, માત્ર શેમારૂમી પર થશે.

વડોદરાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ સિરીઝમાં શિવાની દવેની વાર્તા રજૂ કરવામાં આવી છે, જે એક સ્વતંત્ર વિચારસરણી ધરાવતી બેંક કર્મચારી છે અને એક નિકટના સંબંધો ધરાવતા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. ગોઠવેલાં લગ્ન માટે એક પછી એક મુલાકાતો થતી જાય છે તેમ શિવાની પોતાના પરિવારની અપેક્ષાઓ અને પોતાની આગવી ઓળખ, ઇચ્છાઓ તથા આકાંક્ષાઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. પહેલી છાપ અને પરિવારના મૂલ્યાંકનથી લઈને આર્થિક સમાનતા, શારીરિક અને ભાવનાત્મક સુસંગતતા, આત્મસન્માન તથા લગ્ન કરી સ્થાયી થવાના દબાણ સુધી આ સિરીઝ જીવનસાથી શોધવાની પ્રક્રિયામાં રહેલી રમૂજ, અફરાતફરી અને અણધાર્યા પ્રસંગોને રસપ્રદ રીતે રજૂ કરે છે.

દરેક એપિસોડમાં એક નવો સંભવિત વરરાજા એટલે કે એક નવો મુરતિયો દવે પરિવારના દરવાજે આવે છે. કોઈ વિચિત્ર સ્વભાવ ધરાવતો ઉદ્યોગસાહસિક પોતાના હર્બલ ચમત્કારિક મલમનો પ્રચાર કરે છે, તો કોઈ એનઆરઆઈ મુરતિયાના પિતા અને પરિવાર વીડિયો કૉલ દ્વારા મુલાકાતમાં જોડાય છે. આમ, દરેક મુલાકાત લગ્નની વાતચીતમાં નવી અફરાતફરી સર્જે છે અને શિવાનીને જીવનસાથીમાં ખરેખર શું જોઈએ છે તે સમજવાની એક નવી તક આપે છે.

જાન્હવી ગુરનાની શિવાનીની ભૂમિકામાં છે, જ્યારે રૌનક કામદાર આકાશની ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે અનુરાગ પ્રપન્ના, છાયા વોરા, આવા ભટ્ટ, મેઘના સોલંકી, માનવ શાહ, ચેતન ધાનાણી, ધૈર્ય ઠક્કર, પરીક્ષિત તમાલિયા, મૌલિક નાયક, પ્રણમથ અને નક્ષરાજ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ તમામ કલાકારો સાથે મળીને વિવિધ સ્વભાવ, દૃષ્ટિકોણ અને પારિવારિક સંબંધોની ગૂંથણીને જીવંત બનાવે છે, જે આ પરિચિત છતાં અણધાર્યા વળાંકોથી ભરેલા પ્રવાસને વધુ રસપ્રદ બનાવે છે.

શિવાનીની ભૂમિકા ભજવવા વિશે વાત કરતાં જાન્હવી ગુરનાની કહે છે,“આ સિરીઝ તરફ મને સૌથી વધુ આકર્ષિત કરનાર બાબત શિવાનીનું પાત્ર હતું, જેની સાથે લોકો સરળતાથી જોડાઈ શકે છે. તે સ્વતંત્ર છે, જીવન પાસેથી શું ઇચ્છે છે તે જાણે છે અને પોતાની આગવી ઓળખ તથા પરિવાર વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની તેને જરૂર નથી. મને એ વાત પણ ખૂબ ગમી કે આ શો વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓને રજૂ કરવાની સાથે એક હળવો-ફૂલકો પારિવારિક મનોરંજન પણ છે. શેમારૂમી સાથે કામ કરવાનો અનુભવ તેને વધુ રોમાંચક બનાવે છે, કારણ કે આ શો ગુજરાતી વાર્તાકથનની સાંસ્કૃતિક ઓળખને આધુનિક દૃષ્ટિકોણ સાથે જોડે છે.”

રૌનક કામદાર ઉમેરે છે, “આકાશનું પાત્ર રસપ્રદ છે, કારણ કે તે શિવાનીના જીવનમાં માત્ર એક રોમેન્ટિક પાત્ર પૂરતો સીમિત નથી. મારા મતે, સારો પારિવારિક મનોરંજન આપતો શો દર્શકો સાથે જોડાવા માટે ઘોંઘાટભર્યો કે જટિલ હોવો જરૂરી નથી. જ્યારે પાત્રો વાસ્તવિક લાગે અને પરિસ્થિતિઓ જાણીતી હોય, ત્યારે રમૂજ આપમેળે સર્જાય છે. ‘હજુ વાત ચાલે છે’માં આ ગુણ છે. તેમાં એવી ક્ષણો છે જે તમને હસાવશે, તો કેટલીક નાની-નાની વાતો એવી પણ છે જે તમને થોભીને વિચારવા પ્રેરશે. શેમારૂમી સાથે સહયોગ કરવાની અને તેના સતત વિસ્તરતા ઓરિજિનલ પ્રાદેશિક કન્ટેન્ટનો ભાગ બનવાની તક મળતાં હું ઉત્સાહિત હતો.”

‘હજુ વાત ચાલે છે’ એવા સવાલો ઉઠાવે છે, જેના પર અનેક પરિવારો ડાઇનિંગ ટેબલ પર બેસીને શાંતિથી પણ ઉગ્ર ચર્ચા કરતા હોય છે. લગ્નનો પાયો શેના પર રચાવો જોઈએ, સુસંગતતા, પરિવારની મંજૂરી કે સમાનતા? અંતિમ નિર્ણય કોનો હોવો જોઈએ? ગુજરાતી સંસ્કૃતિ અને પારિવારિક જીવનની હૂંફમાં મૂળ ધરાવતી આ સિરીઝ માતા-પિતાની અપેક્ષાઓ અને નવી પેઢીની ઇચ્છાઓ વચ્ચેના અંતરને રમૂજ અને લાગણીસભર અંદાજમાં રજૂ કરે છે, ઉપદેશ આપ્યા વિના. શેમારૂ પ્રીમિયર માટે આ એક વધુ ઓરિજિનલ પ્રસ્તુતિ છે, જેની વાર્તા દરેકના જીવન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે.

તો તૈયાર થઈ જાઓ પારિવારિક ડ્રામા અને મુરતિયા શોધવાની મજેદાર અફરાતફરી માટે! ‘હજુ વાત ચાલે છે’નો પ્રીમિયર ૨૨મી ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ, માત્ર શેમારૂમી પર થશે.