January 12, 2026

પર્યાવરણ બચાવવા માટે યુરોપથી ભારત સુધીની ૧૨,૦૦૦ કિમીની ઐતિહાસિક પદયાત્રા: માલ્ટાથી નીકળી ગુજરાત પહોંચશે જયદીપ લાખણકીયા

માલ્ટા/ગુજરાત: ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તન (Climate Change) ના જોખમો સામે દુનિયાને જગાડવા માટે ગુજરાતનો એક યુવાન ૧૨,૦૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા કરવા જઈ રહ્યો છે. મૂળ ગુજરાતના અને હાલ યુરોપના માલ્ટા દેશમાં અભ્યાસ કરી રહેલા જયદીપ લાખણકીયા જાન્યુઆરી ૨૦૨૬થી યુરોપથી ભારત સુધીની સાહસિક અને જનજાગૃતિ માટેની પદયાત્રાનો પ્રારંભ કરશે.

૨૦ દેશો અને ૧.૫ વર્ષનો પ્રવાસ આ યાત્રા અંદાજે ૧.૫ વર્ષ સુધી ચાલશે, જેમાં જયદીપભાઈ ૨૦થી વધુ દેશોમાંથી પસાર થઈને ભારત પહોંચશે. આ દરમિયાન તેઓ વિવિધ દેશોની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સામાજિક સંસ્થાઓની મુલાકાત લઈને અંદાજે ૨૦૦ કરોડ લોકો સુધી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ પહોંચાડવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ખેડૂત પુત્રનો ધરતી બચાવવાનો સંકલ્પ સાપુતારામાં કાયાકિંગ ક્ષેત્રે જોડાયેલા અને ખેડૂત પરિવારમાં ઉછરેલા જયદીપ જણાવે છે કે, “મેં જ્યારે પર્યાવરણ વિશે ઊંડું ભણવાનું શરૂ કર્યું, ત્યારે સમજાયું કે ક્લાઇમેટ ચેન્જ એ ભવિષ્યનો નહીં પણ અત્યારનો ખતરો છે. ભારતમાં વધતી ગરમી, પંજાબના પૂર અને હિમાચલનું ભૂસ્ખલન એ ચેતવણીના સંકેતો છે. આ ધરતી, પશુ-પંખી અને આપણી આવનારી પેઢીને બચાવવા માટે મેં મારું કરિયર બાજુ પર મૂકી આ મિશન ઉપાડ્યું છે.”

મુખ્ય ઉદ્દેશ્યો:

ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ: પર્યાવરણમાં આવતા બદલાવો અને તેની અસરો વિશે લોકોને માહિતગાર કરવા.

ભારત પર જોખમ: વૈજ્ઞાનિક પુરાવા મુજબ ક્લાઇમેટ ચેન્જની સૌથી વધુ અસર ભારત પર થવાની સંભાવના છે, તે બાબતે ભારતીયોને જાગૃત કરવા.

ગ્રીન મેસેજ: પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકો અને પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે મળીને પર્યાવરણ બચાવવાના ઉપાયોની ચર્ચા કરવી.

વિશ્વ સ્તરે ગુજરાતનું નામ રોશન થશે જો આ મિશન સફળ થશે, તો પર્યાવરણના હેતુથી આટલી લાંબી પદયાત્રા કરનાર જયદીપ લાખણકીયા વિશ્વના પ્રથમ વ્યક્તિ બનશે. યુરોપના મીડિયામાં આ મિશનની નોંધ લેવાઈ રહી છે, ત્યારે જયદીપભાઈ હવે ભારતના લોકો અને મીડિયાના સહકારની અપેક્ષા રાખી રહ્યા છે જેથી આ સંદેશ ઘર-ઘર સુધી પહોંચી શકે.

આ કોઈ વ્યક્તિગત યાત્રા નથી, પણ આવનારી પેઢીના અસ્તિત્વ માટેનું એક અભિયાન છે.