અમદાવાદ: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હસ્તકની સ્વાયત્ત સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ઉપાસના ઓડિટોરિયમ ખાતે તેના પ્રતિષ્ઠિત ‘૨૫મા ભારત રંગ મહોત્સવ (BRM) ૨૦૨૬‘ ના ત્રણ દિવસીય અમદાવાદ સંસ્કરણનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત ચેપ્ટરના આ ત્રિ-દિવસીય નાટ્ય મહોત્સવની શરૂઆત મહાદેવ સિંહ લાખાવત દ્વારા લિખિત અને દિગ્દર્શિત નાટક ‘ડેઝર્ટ બ્લૂમ – એ મ્યુઝિકલ ટેલ’ સાથે થઈ હતી. નોંધનીય છે કે, ભારત રંગ મહોત્સવ ૨૦૨૬નું આ અમદાવાદ સંસ્કરણ જાણીતા રંગભૂમિ અને ચલચિત્ર અભિનેતા સ્વર્ગસ્થ શ્રી રાજુ બારોટને ભાવભીની અંજલિ રૂપે સમર્પિત કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા સામાજિક કાર્યકર અને ‘અમદાવાદ થિયેટર ગ્રુપ’ના ટ્રસ્ટી શ્રીમતી નફીસા રાજુ બારોટ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ચેરમેનના પૂર્વ સલાહકાર અને ફિલ્મ નિર્માતા શ્રી સમીર એમ. ઉપાધ્યાય ‘સ્પેશિયલ ગેસ્ટ’ તરીકે હાજર રહીને સમારોહની શોભા વધારી હતી.
ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસના ડાયરેક્ટર ડૉ. વિરાજ અમર દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ૨૫માં ભારત રંગ મહોત્સવ (BRM ૨૦૨૬) અમદાવાદ ચેપ્ટરના ફેસ્ટિવલ કો-ઓર્ડિનેટર અને જાણીતા રંગકર્મી ડૉ. ચવ્વાણ પ્રમોદ આર. પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોતાનો સંદેશ પાઠવતા શ્રી ચિત્તરંજન ત્રિપાઠી (ડાયરેક્ટર, NSD) એ જણાવ્યું હતું કે, “નાટ્યકળાના સંવર્ધનમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનું સ્થાન અત્યંત મહત્વનું રહ્યું છે. ‘ભારત રંગ મહોત્સવ ૨૦૨૬’ ની મૂળ ભાવના મુજબ વિવિધ સંસ્કૃતિઓને જોડવાના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના આ ઉમદા કાર્યમાં સહયોગ આપવા બદલ અમે ‘ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ’ નો આભાર માનીએ છીએ. અમે આગામી સમયમાં અમદાવાદમાં આવી વધુ નાટ્ય પ્રવૃત્તિઓ યોજવા માટે ઉત્સુક છીએ.”
ઉદઘાટન દિવસે રજૂ થયેલું નાટક ‘ડેઝર્ટ બ્લૂમ’ રણપ્રદેશના એક ગામડાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ નાટક સ્ત્રીઓની ઈચ્છાઓ, નિર્દોષતા, દમન અને રૂઢિચુસ્ત સામાજિક મર્યાદાઓ વચ્ચે તેમની મુક્તિ અને અસ્મિતા માટેના મૌન વિદ્રોહની વાત રજૂ કરે છે. કઠોર સામાજિક સીમાઓ વચ્ચે સ્ત્રીઓ કેવી રીતે પોતાની સ્વતંત્રતા અને ઓળખ માટે સંઘર્ષ કરે છે, તેનું સચોટ ચિત્રણ આ કૃતિમાં કરવામાં આવ્યું છે. નાટકનું શાનદાર સંગીત અને કલાકારોના લયબદ્ધ હલનચલન પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેના કારણે ઉપસ્થિત રશિકોએ આ પ્રસ્તુતિને ખૂબ જ બિરદાવી હતી.
નાટ્ય મહોત્સવનો ઉત્સાહ ૧૫ ફેબ્રુઆરીના રોજ વધુ બેવડાશે, જ્યારે મુંબઈના ‘ધ ગેધર્ડ’ (The Gathered) ગ્રુપ દ્વારા પ્રસ્તુત નાટક ‘એવલાન્ચ’ (Avalanche) સ્ટેજ પર રજૂ કરવામાં આવશે. આ નાટક ગંધર્વ દીવાન, શાર્દુલ ભારદ્વાજ અને રાજેશ નિર્મલ દ્વારા રૂપાંતરિત કરવામાં આવ્યું છે. ગંધર્વ દીવાનના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલું આ નાટક પ્રેક્ષકો માટે એક નવો અનુભવ લઈને આવશે.
BRM ૨૦૨૬ અમદાવાદ પ્રકરણ ૧૬ ફેબ્રુઆરીએ મહાકવિ ભવભૂતિ દ્વારા લખાયેલ અને ડૉ. ચવ્હાણ પ્રમોદ આર દ્વારા દિગ્દર્શિત નાટક ‘સીતા નો વેશ’ સાથે સમાપ્ત થશે. આ નિર્માણ ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવશે. ઉત્તરામચરિત પરથી રૂપાંતરિત, આ નાટક ગુજરાતી લોક સંસ્કૃતિને આબેહૂબ રીતે રજૂ કરે છે.
BRM ૨૦૨૬ના અમદાવાદ પ્રકરણનું સમાપન ૧૬ ફેબ્રુઆરીએ ‘સીતાનો વેશ’ નાટક સાથે થશે. મહાકવિ ભવભૂતિ દ્વારા લિખિત અને ડૉ. ચવણ પ્રમોદ આર. દ્વારા નિર્દેશિત આ નાટક, ગુજરાત યુનિવર્સિટીના ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. ‘ઉત્તરરામચરિત’ પર આધારિત આ નાટ્ય પ્રસ્તુતિમાં ગુજરાતી લોકસંસ્કૃતિના આબેહૂબ દર્શન થાય છે. ઉલ્લેખનીય છે કે BRM ૨૦૨૬ના સુરત પ્રકરણનું તાજેતરમાં જ સમાપન થયું છે અને ત્યારબાદ આ પ્રસ્તુતિઓએ ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ ખેડ્યો છે.
ભારત રંગ મહોત્સવની આ ૨૫મી આવૃત્તિ ૨૭ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી એમ કુલ ૨૫ દિવસ સુધી ચાલશે. આ મહોત્સવમાં ૨૨૮ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ૨૭૭થી વધુ નાટ્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, જેમાં અનેક અલ્પપરિચિત ભાષાઓનો પણ સમાવેશ થાય છે. આ મહોત્સવ ૯ દેશો અને ભારતના દરેક રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના નાટ્ય જૂથોને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક કલાનો અદભૂત સંગમ રચે છે.
ભારતની નાટ્ય વિવિધતાની ઉજવણી કરતા આ મહોત્સવમાં બાળકોના જૂથો, આદિવાસી સમુદાયો અને સમાજના વંચિત વર્ગના કલાકારો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે, જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) ની સર્વસમાવેશી અને થિયેટરના વૈશ્વિકીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર સાબિત કરે છે. NSD નાટ્યકળાના પ્રસાર અને લોકશાહીકરણ માટે સતત કાર્યરત છે. સંસ્થાએ તાજેતરમાં જ થિયેટરને પ્રોત્સાહન આપવા માટે ‘રંગ આકાશ’ ઇન્ટરનેટ રેડિયો અને ‘નાટ્યમ’ નામનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેથી દેશભરના નાટ્યપ્રેમીઓ તેમની શ્રેષ્ઠ પ્રસ્તુતિઓ નિહાળી શકે.

More Stories
E4U એન્ટરટેઈનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો, નવા કલાકારોને પણ મળશે તક
ફિલ્મ ‘મિસરી’નું JOJO પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર, 19 ફેબ્રુઆરીથી ફિલ્મ થશે સ્ટ્રીમ
7–8 માર્ચે કચ્છ ના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માન નો મહોત્સ વગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬