January 13, 2026

એન્જલ વન દ્વારા રોકાણકારોને બનાવટી સોશિયલ મીડિયા ગ્રુપ્સ અને અનધિકૃત રોકાણ યોજનાઓ અંગે ચેતવણી

એન્જલ વન લિમિટેડ, જે ફિનટેક (FinTech) ક્ષેત્રની અગ્રણી કંપની છે, તેણે રોકાણકારોને એન્જલ વનના નામનો દુરુપયોગ કરતા અને તેના વરિષ્ઠ અધિકારી હોવાનો ઢોંગ કરતા બનાવટી સોશિયલ મીડિયા ગ્રુપ્સના વધતા જતા પ્રમાણ અંગે ચેતવણી આપી છે.

કંપનીના ધ્યાનમાં આવ્યું છે કે વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) જેવા સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ પર અનેક અનધિકૃત (બનાવટી) ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપ્સ ગેરકાયદેસર રીતે અને છેતરપિંડીના ઇરાદાથી એન્જલ વન લિમિટેડના બ્રાન્ડ નેમ અને લોગોનો, તેમજ તેના વરિષ્ઠ અધિકારીઓના નામ અને ફોટાનો દુરુપયોગ કરી રહ્યા છે. એન્જલ વને તપાસમાં જોયું છે કે આ બનાવટી ગ્રુપ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, જેમાં સેબી (SEBI) ની જરૂરી નોંધણી કે પરવાનગી વિના શેરબજાર અને સિક્યોરિટીઝ સંબંધિત સલાહ આપવી, તેમજ સેબીની મંજૂરી વિના સિક્યોરિટીઝના વળતર અને કામગીરી અંગેના અનધિકૃત દાવાઓ કરવાનો સમાવેશ થાય છે.

એન્જલ વન દ્વારા નિવેદન આપવામાં આવ્યું  “અમે ભારપૂર્વક જણાવવા માંગીએ છીએ કે સિક્યોરિટીઝ માર્કેટમાં અનધિકૃત રોકાણ સલાહ આપવી કે વળતરની ગેરંટી આપવી તે સખત પ્રતિબંધિત છે. અમે રોકાણકારોને વિનંતી કરીએ છીએ કે અમારી સંસ્થા તરફથી હોવાનો દાવો કરતા કોઈપણ સંદેશાની ખરાઈ કરો અને સાવચેતી રાખો. રોકાણના સાચા નિર્ણયો હંમેશા ગાઢ સંશોધન અને અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર આધારિત હોવા જોઈએ. એન્જલ વન લિમિટેડનો આવી કોઈપણ ફેક એપ્લિકેશન્સ, વેબ લિંક્સ કે પ્રાઈવેટ વોટ્સએપ/ટેલિગ્રામ ગ્રુપ્સ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ સંબંધ નથી. આવા ફ્રોડ એપ્લિકેશન્સ કે વેબ લિંક્સ સાથેના વ્યવહારથી થતા કોઈપણ આર્થિક નુકસાન કે પરિણામો માટે કંપની જવાબદાર રહેશે નહીં.”

એન્જલ વને સ્પષ્ટતા કરી છે કે તે ગ્રાહકોને અનઓફિશીયલ સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં એડ કરતું  નથી, મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા સંવેદનશીલ અંગત માહિતી માંગતું નથી, અનધિકૃત ચેનલો દ્વારા ભંડોળ (પૈસા) માંગતું નથી કે ચોક્કસ વળતરના વચનો આપતું નથી. તમામ કાયદેસરના વ્યવહારો માત્ર એન્જલ વનના સત્તાવાર પ્લેટફોર્મ દ્વારા જ કરવા જોઈએ, અને એપ્લિકેશન્સ માત્ર સત્તાવાર સ્ત્રોતો અને અધિકૃત એપ સ્ટોર્સ પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ.

એન્જલ વન રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને સુરક્ષિત ટ્રેડિંગ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. કંપની તમામ રોકાણકારોને સતર્ક રહેવા અને તેમની આર્થિક સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા પ્રોત્સાહિત કરે છે.

જાહેર જનતાને ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે કે આવા તત્વો સાથે જોડાવાથી દૂર રહો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કાયદાકીય સંસ્થાઓને કરો. જો તમને કોઈ સ્કેમ ધ્યાનમાં આવે, તો તેની જાણ સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime.gov.in, ડેડિકેટેડ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને, તમારા નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અથવા તો અમને ceoescalation@angelone.in પર લખીને કરી શકાય છે.