October 14, 2025

અમદાવાદમાં પ્રથમવાર ગર્ભવતી દંપતીઓ માટે વિશિષ્ટ “ગર્ભ સંપદા પૂજન અને ગરબા મહોત્સવ” યોજાશે

અમદાવાદ, સપ્ટેમ્બર 2025 : આ નવરાત્રી અમદાવાદના ગર્ભવતી દંપતીઓ માટે ખાસ બનવાની છે, કારણ કે શહેરમાં પહેલીવાર “ગર્ભ સંપદા પૂજન અને ગરબા મહોત્સવ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. પ્રથમ નોરતાંના દિવસે એટલે કે 22મી સપ્ટેમ્બર એ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ જોધપુર કોમ્યુનિટી હોલ ખાતે “ડિવાઇન મધર” દ્વારા આયોજિત આ અનોખી પહેલ ગર્ભવતી માતાઓને આધ્યાત્મિક શાંતિ, પરંપરા સાથેનો જોડાણ અને આનંદમય અનુભવ આપશે.

આ ખાસ ઈવેન્ટમાં ગર્ભ સંસ્કાર પૂજન દ્વારા આધ્યાત્મિક શાંતિનો અનુભવ મળશે, સાથે હળવા અને પ્રેગ્નન્સી-સેફ ગરબા સ્ટેપ્સ દ્વારા સંસ્કૃતિ સાથે જોડાવાનો આનંદ પણ માણી શકાશે. લાઇવ મ્યુઝિક, ગેમ્સ, પરિવાર સાથેનો આનંદ, સ્મરણિય ફોટોગ્રાફી અને ખાસ સેલ્ફી બૂથ જેવી સુવિધાઓ પણ હશે. આરામદાયક એસી હોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર્સ અને મેડિકલ ટીમ ઓન-સાઇટ હાજર રહી દરેક સગર્ભાની સલામતીની સંપૂર્ણ કાળજી રાખશે. આ કાર્યક્રમમાં અંદાજે 200 થી 250 દંપતીઓને જ સ્થાન આપવામાં આવશે જેથી સૌને આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ મળી રહે.

“ડિવાઇન મધર”ની સ્થાપના 2016માં ડૉ. અનુશ્રી શાહ (ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભ સંસ્કાર નિષ્ણાત) દ્વારા કરવામાં આવી હતી. સંસ્થા ગર્ભવતી સ્ત્રીઓને શારીરિક, માનસિક અને ભાવનાત્મક સપોર્ટ આપી, માતૃત્વને ઉજ્જવળ બનાવવાના મિશન સાથે કાર્યરત છે. ગર્ભ સંસ્કાર વર્કશોપ્સ, પેરેન્ટિંગ સેશન્સ અને “પ્રેગાબ્લિસ બેબી બોન્ડ એક્ટિવિટી બોક્સ” જેવી પહેલ દ્વારા “ડિવાઇન મધર” માતાઓને સંસ્કાર, સંગીત અને માઇન્ડફુલ એક્ટિવિટીઝ સાથે જોડે છે.

આ અનોખી પહેલ વિશે ડૉ. અનુશ્રી શાહ કહે છે,  “માતૃત્વ એ માત્ર એક સફર નથી, એ એક ઉત્સવ છે. નવરાત્રી અને ગર્ભ સંસ્કારની પરંપરાને સાથે રાખીને ગર્ભવતી માતાઓ માટે પોઝિટિવિટી, સંગીત અને સંસ્કૃતિથી ભરપૂર આ યાદગાર ક્ષણો સર્જવી એ અમારું ધ્યેય છે.”

આવો કાર્યક્રમ પ્રથમવાર અમદાવાદમાં આયોજિત થવા જઈ રહ્યો છે અને ભવિષ્યમાં આવા પ્રેગ્નન્સી-સેફ સાંસ્કૃતિક કાર્યક્રમો નિયમિત રીતે યોજવા “ડિવાઇન મધર” પ્રતિબદ્ધ છે.