February 12, 2026

ગુજરાતભરમાં ઇંધણ સંરક્ષણ માટે ‘સક્ષમ’ અભિયાનનો જોરશોરથી પ્રારંભ

View Post

ગાંધીનગર, 2  ફેબ્રુઆરી 2026: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચર ગેસના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા અન્ય ઓઈલ અને ગેસ PSUs (BPCL, HPCL અને GAIL) ના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઈંધણ સંરક્ષણ અભિયાન ‘સક્ષમ 2025-26” (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) ના ઉદ્ઘાટન સમારોહનું આજે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “તેલ અને ગેસ બચાઓ, હરિત ઉર્જા અપનાઓ” ના મંત્ર સાથે આ જનજાગૃતિ અભિયાન 1 ફેબ્રુઆરીથી 15  ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્ય મંત્રીશ્રી (કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ) શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ PDEU કેમ્પસ ખાતેથી સત્તાવાર રીતે અભિયાનનું ફ્લેગ-ઓફ કરાવીને નાગરિકોને ઊર્જા બચત અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. વર્ષ 1991 થી કાર્યરત આ પહેલનો મુખ્ય હેતુ દેશની એનર્જી સિક્યોરિટી મજબૂત કરવા માટે ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવાનો અને સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવાનો છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સ્ટેટ હેડ (ગુજરાત) શ્રી સંજીબ બેહેરા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સ્ટેટ હેડ (રિટેલ), ગુજરાત, શ્રી અચિંત ભવસાર દ્વારા હિન્દીમાં અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ચીફ જનરલ મેનેજર – રિટેલ અને ઝોનલ હેડ શ્રી સુભેન્દુ મોહંતી દ્વારા અંગ્રેજીમાં ઉપસ્થિત સૌને ‘સક્ષમ 2025-26’ ના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હેઠળની ગુજરાત રિફાઇનરી, બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિફાઇનરી હેડ શ્રી બિપ્લોબ વિશ્વાસ  તેમજ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ પ્રો. એસ. સુંદર મનોહરને પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્ય મંત્રી (કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો) શ્રી કૌશિક કાંતિભાઈ વેકરિયા એ કી નોટ એડ્રેસ આપ્યું હતું. આ ઉપરાંત, મંચ પર જામનગરના ધારાસભ્ય શ્રી દિવ્યેશ અકબરી અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

આ પખવાડિયા દરમિયાન ગુજરાતભરમાં સાયક્લોથોન, વોકાથોન, અને ગ્રામ્ય સ્તરે ‘એલપીજી પંચાયત’ જેવા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે. વિશેષ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના ડ્રાઇવરો માટે ઈંધણ બચતની તાલીમ અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પરિવહન (ST) ના દરેક ડેપો પર 300 થી વધુ ડ્રાઇવરોને ઈંધણ-કાર્યક્ષમ ડ્રાઇવિંગની તાલીમ અપાશે. આ ઉપરાંત, જનતામાં સંદેશ પહોંચાડવા માટે ગુજરાતના 6 મુખ્ય સ્થળોએ ગ્રાફિટી અને વોલ પેઈન્ટિંગ્સ પણ તૈયાર કરવામાં આવશે.

આ પખવાડિયા સુધી ચાલનારા કેમ્પેઇનનો સમાપન સમારોહ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. ઇન્ડિયન ઓઈલ અને અન્ય ઓઈલ કંપનીઓ આ માધ્યમથી સમુદાયોને ઊર્જા સંરક્ષણ પ્રત્યે સજાગ કરી ટકાઉ ભવિષ્ય માટે કાર્યરત છે.