December 22, 2024

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

પેરિસ ઓલિમ્પિકમાં આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવિધ 16 સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે, વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરુ સંવાદ કરીને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. ઓલિમ્પિક રમતોમાં વધુને વધુ મેડલ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. સૌ ભારતવાસીઓ CHEER4BHARAT માટે ઉત્સુક છે, આપણા સૌ માટે આનંદનો અવસર છે, કે ગુજરાતના 3 હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે, અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટેબલ ટેનિસ રમતમાં હરમીત દેસાઈ અને માનવ ઠક્કર. એર રાઈફલ શૂટિંગમાં ઈલાવેનિલ વાલારિવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવગાથામાં નવું સિમા ચિહ્ન છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે, ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક 2024માં કૌવત ઝળકાવશે એવો મને વિશ્વાસ છે. આ ત્રણેય ખેલપ્રતિભાઓ સહિત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા બધા જ 117 ભારતીય ખેલાડીઓને જ્વંલત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હ્રદયપુર્વકની શુભેચ્છાઓ પાઠવું છે.

પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે, આ દરમિયાન 200થી વધુ દેશો ભાગ લઈ રહ્યાં છે, જેમાં ભારતના 117 ખેલાડીઓ 16 રમતોમાં ભાગ લઈ રહ્યાં છે, જેમાં 5 ખેલાડીઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, જેમાં 3 ખેલાડી ઓલિમ્પિકમાં અને 2 દિવ્યાંગ ખેલાડી પેરાઓલિમ્પિકમાં સામેલ છે, તમામ રમતવીરો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમલી શક્તિદૂત યોજનાના ખેલાડી છે.

ગુજરાત સરકારની યોજનાઓ અને ખેલાડીઓને આપેલી સહાયની વિગત

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં રમતવીરોને તેમની રમતગમતની પાયાના સ્તરથી વિશિષ્ટ સ્તર સુધી સમગ્ર સફરમાં સમર્થન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓમાં ઇનસ્કુલ, જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ, સેન્ટર ઓફ એકિ્સલન્સ, એકેડમી અને શકિ્તદૂતનો સમાવેશ થાય છે ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ટોચના રમતવીરને શક્તિદૂત યોજના દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ રમતવીરોને તેમની રમતગમતની યાત્રા દરમિયાન વિશેષ સહાય પૂરી પાડવામાં આવે છે. શક્તિદૂત યોજનાના પસંદગીના માપદંડો વિવિધ રમત સ્પર્ધાઓમાં રમતવીરોના પ્રદર્શન પર આધારિત છે. આ યોજના હેઠળ તાલીમ, સ્પર્ધાઓ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને ટોચના ખેલાડીઓને વાર્ષિક અનુદાન આપવામાં આવે છે. હાલમાં આ યોજના હેઠળ રાજ્યના 64 ખેલાડીઓને સહાય આપવામાં આવી રહી છે.

પેરિસ ઓલિમ્પિકમાં માટે ક્વોલિફાય થયેલા તમામ ગુજરાતી રમતવીર માટે પ્રતિ રમતવીર રૂ. 10 લાખની સહાય ગુજરાત સરકારે પ્રદાન કરી છે. ખેલાડીઓને આર્થિક તંગી ના પડે તે માટે સતત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સહાય કરવામાં આવતી હોય છે.
ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈ વર્ષ 2007-08થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનામાં જોડાયેલ છે, હરમિત દેસાઈને શક્તિદૂત યોજના અંતર્ગત અત્યાર સુધી એટલે કે ચાલુ વર્ષ 2024-25 સુધીમાં કુલ રૂ. 1,68,52,782ની રોકડ રકમ તેમજ ખેલ પ્રતિભા પુરસ્કાર 2016-17 થી અત્યાર સુધીમાં રૂ. 1,37,70,000/- ની કેશ પ્રાઈઝ આપી છે, કુલ મળીને હરમીત દેસાઈને રૂ.30,622,782/-ની સહાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે.

ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર વર્ષ 2014-15થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનામાં જોડાયેલ છે, માનવ ઠક્કરને શક્તિદૂત યોજના અંતર્ગત અત્યાર સુધી એટલે કે ચાલુ વર્ષ 2024-25 સુધીમાં કુલ રૂ. 75,05,484ની રોકડ રકમ તેમજ ખેલ પ્રતિભા પુરસ્કાર 2016-17 થી અત્યાર સુધીમાં રૂ.53,20,000/- ની કેશ પ્રાઈઝ આપી છે, કુલ મળીને માનવ ઠક્કરને રૂ.12,825,484/-ની સહાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે.

10 મીટર એર રાઈફલ શૂટર ઈલાવેનિલ વાલારિવન વર્ષ 2017-18થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનામાં જોડાયેલ છે, ઈલાવેનિલને શક્તિદૂત યોજના અંતર્ગત અત્યાર સુધી એટલે કે ચાલુ વર્ષ 2024-25 સુધીમાં કુલ રૂ. 45,88,496ની રોકડ રકમ તેમજ ખેલ પ્રતિભા પુરસ્કાર 2016-17 થી અત્યાર સુધીમાં રૂ. 2,829,000/- ની કેશ પ્રાઈઝ આપવામાં આવી છે, કુલ મળીને ઈલાવેનિલ વાલારિવનને રૂ. 7,417,496/-ની સહાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે.

ઓલિમ્પિક ગેમ્સ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે: શ્રી અશ્વનિકુમાર, અગ્ર સચિવ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ

રાજ્યના મહત્ના સ્થળોએ ઓલિમ્પિક અંગે જાગૃતિ માટે વિવિધ સ્ટ્રીટ એક્ટિવેશન પ્રોગ્રામ, પેઈન્ટિંગ સ્પર્ધા, ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરાઈ રહ્યું છે. રાજ્યના ખેલાડીઓ ઓલિમ્પિકમાં જ્વલંત સફળતા મેળવી તે માટે ઠેર-ઠેર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

રમતના મહાકુંભ પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાત અને દેશના ખેલાડીઓ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવો મને વિશ્વાસ છે: શ્રી આર.એસ.નિનામા, ડાયરેક્ટર ઓફ જનરલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

સુરતનો ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને એર રાઈફલ ખેલાડી ઈલાવેનિલ વાલારિવન મેડલ મેળવી દેશનો તિરંગો પેરિસમાં લહેરાવે તેવી શુભકામનાઓ: શ્રી આઈ.આર.વાળા, સચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત