May 29, 2025

અમદાવાદમાં અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ કન્યા ગૃહ તેમજ અવ્વલ ક્લબનો શુભારંભ

અમદાવાદ : સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતાં અને નારીશક્તિનું પ્રતિક અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં ‘અવ્વલ કન્યા ગૃહ’ તથા ‘અવ્વલ ક્લબ’નું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે. આ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, તેમનો સર્વાગી વિકાસ સુનિશ્ચિત કરવો અને સમાજમાં તે હક્કથી જીવન જીવી શકે એ માટે આવશ્યક કુશળતાઓ પ્રદાન કરવાનો છે. અવ્વલ કન્યા ગૃહની સાથે અવ્વલ ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટનના દિવસે ખાસ લઘુરૂદ્રીનું ચિંતન કરવામાં આવ્યું હતું, જેનાથી ઉપસ્થિત સૌ ભક્તિમય રંગમાં રંગાયા હતા. આ પ્રસંગે અવ્વલ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અભિસાર કલાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અવ્વલ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અભિસાર કલાલે જણાવ્યું હતું કે, “અમે દિકરીઓને હંમેશા આગળ વધવામાં મદદ કરીએ છીએ અને ખાસ તેમના માટે આ કન્યા ગૃહનું નિર્માણ કરાયું છે કે જેનાથી તેઓ સમાજમાં સ્વાભિમાન સાથે જીવન જીવી શકે અને એ માટે આવશ્યક માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવાનું છે.  0-18 વર્ષની દિવ્યાંગ દીકરીઓનો સહારો બનવા અને તેમને યોગ્ય સારવાર અને જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે આ કન્યા ગૃહનું નિર્માણ થયું છે. અમે અહીં માતા- પિતા વિહીન દરેક અનાથ છોકરી અથવા આર્થિક રીતે વંચિત બાળકીઓને તમામ સુવિધા આપીશું. તેમના એજ્યુકેશનથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચો અવ્વલ ફાઉન્ડેશન ઉઠાવશે. અમે એ સંપૂર્ણ પ્રયત્ન કરીશું કે  દરેક દિકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને.”

આ સાથે જ અવ્વલ ફાઉન્ડેશ દ્વારા અવ્વલ ક્લબ શરૂ કરવામાં આવેલ છે, જે ખાસ કરીને સિનિયર સિટીઝન લોકો માટે છે. અહીં તેમને પ્રવૃત્તિમય રહેવા માટે વિવિધ કાર્યક્રમો, ધાર્મિક આયોજનો અને વિવિધ એક્ટિવિટીઝનો લાભ મળશે. ઉપરાંત ક્લબના મેમ્બર્સ સભ્યોને અવ્વલ ફાઉન્ડેશનની મેમ્બરશિપ પણ પ્રાપ્ત થશે.

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ અવ્વલ કન્યા ગૃહ અને અવ્વલ ક્લબ એક નવી પહેલ છે જે સમાજમાં સ્થાયી પરિવર્તન લાવવાનો ધ્યેય રાખે છે. આ પહેલ માત્ર સહાય નહીં પણ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું બીજ રોપે છે. ભાવિ પેઢી માટે શ્રેષ્ઠ ભવિષ્ય સર્જવાની આ યાત્રામાં અવ્વલ ફાઉન્ડેશનનું  આ પગથિયું અભિનંદનને પાત્ર છે.