December 22, 2024

દીક્ષા જોશી અને પીહૂશ્રી ગઢવીના અભિનય સાથે “નીંદરું રે” સોન્ગ માતૃત્વના ભાવનાત્મક રંગોથી રંગાયેલુ

ગુજરાત : જ્યારથી કાશી રાઘવ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં ફિલ્મ જોવા અંગેની જીજ્ઞાશા વધી છે. દર્શકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે મેકર્સ દ્વારા ફિલ્મનું એક લોરી સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યંત પ્રતિભાશાળી સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગ મા- દીકરી વચ્ચેનો લાગણીભર્યો સબંધ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. “નીંદરું” સોન્ગના શબ્દો જતન પંડ્યા દ્વારા લિખિત છે જ્યારે આ સોન્ગનું મ્યુઝિક વત્સલ અને કવન દ્વારા આપવામાં આવ્યું છે. “આ પ્રથમવાર છે કે રેખા ભારદ્વાજ દ્વારા કોઈ ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાવામાં આવ્યું છે અને રેખા ભારદ્વાજે આ સોન્ગ ગાવા માટે વ્યક્તિગત રીતે રસ દાખવ્યો હતો અને ખૂબ જ ઓછા સમય માં તેમણે આ સોન્ગ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો.”- ડિરેક્ટર- રાઇટર ધ્રુવ ગોસ્વામીએ જણાવ્યું હતું.

 દીક્ષા જોશી અને જયેશ મોરેની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ ફિલ્મમાં પીહૂશ્રી કાશી (દીક્ષા જોશી)ની દીકરીની ભૂમિકામાં છે અને આ સોન્ગ મા- દીકરીના બંધનની લાગણીભરી સફર દર્શાવે છે.  ઘણાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ આ ફિલ્મમાં છે. આ એક સિનેમેટિક ફિલ્મ છે જેમાં, દીક્ષા “પ્રોસ્ટિટ્યૂટ”ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઈપણ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર બતાવવામાં આવ્યું છે.

ફિલ્મના અન્ય કલાકારોમાં  ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડીનો સમાવેશ થાય છે. ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. ઉપરાંત, સિનેમેટોગ્રાફી પ્રતિક પરમાર દ્વારા કરવામાં આવી છે.

 લાગણી અને સંવેદનાની સફર દર્શાવતી “કાશી રાઘવ” ફિલ્મ નિહાળો સિનેમાઘરોમાં 3 જાન્યુઆરી, 2025થી..