April 19, 2025

સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું

ગુજરાત : દરેક કહાની વાંચવા માટે નથી હોતી… કેટલીક માત્ર અનુભવવા માટે હોય છે! એવી જ એક કહાની હવે પડછાયાઓમાંથી બહાર આવી રહી છે – અને હવે તમે એમાંથી ભાગી ન શકો!”…. આ વાક્ય વાંચીને જ ખ્યાલ આવી જાય કે કોઈ હોરર કન્ટેન્ટ વિશે વાત થઈ રહી છે. જી હા! આપણે વાત કરી રહ્યાં છે, આવનાર ગુજરાતી ફિલ્મ “બહેરૂપિયો”ની. સાવનાથ એન્ટરટેઇનમેન્ટના  બેનર હેઠળ આરએસસી ફિલ્મ્સ અને આરકેયૂ ફિલ્મ્સ સાથેના સહયોગથી પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ છે.  સાવનાથ એન્ટરટેઇનમેન્ટના કૌશિક પટેલ અને હાર્દિક પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ રાજા સંજય ચોક્સી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મના લેખનકાર્યની કમાન રાજા સંજય ચોક્સી અને કપિલ સાહેત્યાએ સંભાળી છે. ફિલ્મના ક્રિએટિવ ડાયરેક્ટર રાકેશ ઉપાધ્યાય છે અને ઓરીજનલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અથર્વ સંજય જોશીએ આપ્યું છે.

“બહેરૂપિયો” એ પૌરાણિક કથાઓ અને લોકલ વાર્તાઓમાંથી જન્મી છે – એવી વાર્તાઓ જે ભૂતકાળમાં ગણગણીને કહેવામાં આવતી હતી, પણ હવે ‘બહેરૂપિયો’ બનીને તમારા ભય સાથે રમવા આવી રહ્યું છે.

 ફિલ્મના પોસ્ટરમાં એક રહસ્યમય લાલ ચિહ્ન અંધકારમય પૃષ્ઠભૂમિ પર છવાયેલું છે તેમ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ પારંપરિક હોરર ફિલ્મથી કાંઈક હટકે છે. “બહેરૂપિયો: એ માત્ર હોરર ફિલ્મ નથી, એ આપણી જ જાણે-અજાણે જીવતી રહેલી લોકવાર્તાઓનો પ્રતિબિંબ છે. ફિલ્મ ગુજરાતી સિનેમામાં હોરરના નવા યુગની શરૂઆત કરશે.

“બહેરૂપિયો” ફિલ્મ ટૂંક સમયમાં જ આવી રહી છે, અને તમારી દરેક જાણીતી હકીકતને ફરીથી પ્રશ્ન કરી જશે તે તો નક્કી જ છે.