અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 :અમદાવાદ સ્થિત જાણીતી સંસ્થા ‘તારા ફાઉન્ડેશન’ દ્વારા આજે ‘વર્લ્ડ કોકલિયર ઇમ્પ્લાન્ટ ડે’ના અનુસંધાનમાં સંસ્થાના 45 જેટલા વિશિષ્ટ બાળકો, જેઓ અત્યાધુનિક થેરાપી અને કોકલિયર ઇમ્પ્લાન્ટની મદદથી અવાજની દુનિયામાં સફળતાપૂર્વક ડગ માંડી રહ્યા છે, તેમનો ગ્રેજ્યુએશન સેરેમની એટલે કે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે આયોજિત આ ગૌરવશાળી પ્રસંગે સંસ્થાના હિતેચ્છુ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જે તેમના ઉજ્જવળ ભવિષ્યની સાક્ષી પૂરે છે.
હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે આયોજિત આ ગૌરવશાળી પ્રસંગે હાઉસ ઓફ મેરીગોલ્ડના ઓનર શ્રીમતી શિલ્પા ચોક્સી અને જાણીતા ઇએનટી (ENT) તથા કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જન ડૉ. નીરજ સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર આ 45 બાળકો હવે સામાન્ય શાળામાં સામાન્ય બાળકોની સાથે શિક્ષણ મેળવવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યા છે, જે તારા ફાઉન્ડેશનના દાયકાના પ્રયાસોનું પરિણામ છે. 2016માં એક નાના ઓરડાથી શરૂ થયેલ તારા ફાઉન્ડેશન આજે એક વટવૃક્ષ બની ગયું છે, જ્યાં 1000થી વધુ બાળકો સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, મ્યુઝિક થેરાપી અને ઑડિઓલોજી જેવી વિવિધ સેવાઓનો લાભ લઈ રહ્યા છે. દર વર્ષે અહીંથી 35 થી 40 બાળકો તાલીમ પૂર્ણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે, જે સમાજમાં એક મોટું પરિવર્તન લાવી રહ્યા છે.
તારા ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, શ્રવણ-ક્ષતિ ધરાવતા બાળકો માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ એક વરદાન સમાન સાબિત થયું છે. મોન્ટેસરી મેથડ અને સેન્સરી ગાર્ડન જેવા આધુનિક સાધનો દ્વારા અહીં બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.
તારા ફાઉન્ડેશનનું માનવું છે કે કોઈપણ બાળક અવાજની દુનિયાથી વંચિત ન રહેવું જોઈએ. આજે ગ્રેજ્યુએટ થયેલા 45 તારલાઓ એ વાતનું પ્રમાણ છે કે જો યોગ્ય સમયે સાચી તક, ટેકનોલોજી અને પ્રેમભર્યું માર્ગદર્શન મળે, તો આ બાળકો પણ કોઈપણ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી શકે છે. સંસ્થા શ્રવણ સાધન અથવા કોકલિયર ઇમ્પ્લાન્ટથી લઈને સ્પીચ થેરાપી સુધીના દરેક તબક્કે જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થઈ રહી છે, જેથી આ બાળકો તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરી શકે અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે.
શ્રવણ અક્ષમતા એ હવે જીવનભરનો અવરોધ નથી. જો નવજાત અવસ્થામાં જ સ્ક્રીનીંગ દ્વારા નિદાન થાય અને સમયસર કોકલિયર ઇમ્પ્લાન્ટ જેવી સર્જરી કરવામાં આવે, તો આ બાળકો કોઈપણ સામાન્ય વ્યક્તિની જેમ જ સફળ કારકિર્દી બનાવી શકે છે. તારા ફાઉન્ડેશન એક એવી કડી તરીકે કામ કરે છે જે વિજ્ઞાન અને માનવતાને જોડીને આ બાળકોના જીવનમાં નવો આશાવાદ ભરે છે.

More Stories
વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા
મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ
ઇન્ડિયાનું ફર્સ્ટ “કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ” અમદાવાદમાં ‘દાસ્તાન ઓટોવર્લ્ડ’ ખાતે યોજાશે : વિન્ટેજ કાર અને સિનેમાનો અનોખો સંગમ