વીરાંજલિ સમિતિ તેમજ GTPL દ્વારા આયોજિત વંદે માતરમ્ની ઉજવણીના ઉપક્રમે ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિત્તે સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો. માં ભારતીના વીર ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર આપતો આ કાર્યક્રમ છેલ્લા ૧૮ વર્ષથી અવિરત રીતે યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો છે. વર્ષ ૨૦૨૬માં વંદે માતરમ્ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત આ વિશેષ સંસ્કરણમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની અજાણી અને પ્રેરણાદાયી શૌર્યગાથાઓ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી માયાભાઈ આહિર, શ્રી સાંઈરામ દવે, શ્રી રાજભા ગઢવી અને શ્રી અલ્પાબેન પટેલ જેવા લોકપ્રિય કલાકારોએ પોતાની કલાત્મક પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિત દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. ૨૩ માર્ચના શહીદ દિવસની પાવન સ્મૃતિમાં ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને નમન કરવામાં આવ્યું અને આશરે ૪૦ હજારની જન-મેદનીએ એકસ્વરે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે ક્ષણો અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ બની રહી.
આ વર્ષે ડાયરાની સાથે સાથે મેર રાસ, દિકરીઓનો તલવાર રાસ તેમજ શહીદોને વંદન કરતી “વીર જવાનોની” આરતી સાથે આકાશમાં રજૂ થયેલો ભવ્ય ડ્રોન શો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ ડ્રોન શોએ ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગમાં રંગી દીધા અને સાણંદના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આવા પ્રકારનો અદભુત દ્રશ્ય અનુભવ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી પ્રવિણભાઈ માણી, શ્રી ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી સંજયસિંહ મહીડા, શ્રી કમલેષભાઈ પટેલ, શ્રી રીવાબા જાડેજા, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અનિરૂદ્ધભાઈ દવે, શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા તથા સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આમ, “વીરાંજલિ ૨.૫” એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે સાથે દેશપ્રેમની ભાવનાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડતો એક યાદગાર કાર્યક્રમ સાબિત થયો.

More Stories
HYBE INDIA નેક્સ્ટ-જનન ગ્લોબલ સ્ટાર્સની શોધમાં ઓડિશન શરૂ કરશે
યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એકેડેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ મ્યુઝિક આઇકોન એ.આર. રહેમાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂકની ઘોષણા કરી
ઓડિશા પરબ : અમદાવાદમાં જોવા મળશે ઓડિશાના વાઇબ્રન્ટ કલ્ચર, વાનગીઓ, ક્રાફટ અને ટુરિઝમ એક્સપિરિયન્સનો સમન્વય