અમદાવાદ : ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર દર્શકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે.
ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને આર્થિક તંગીના દ્રશ્યોથી થાય છે. મલ્હાર ઠાકર એક ભાવુક અને ગંભીર સંવાદમાં કહેતા સંભળાય છે કે, “આખી જિંદગીની નોકરીમાં તમે એટલું જ કમાયા કે એક માણસનો જીવ ના બચાઈ શક્યા.”ટીઝરનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવે છે જ્યારે બેંક એકાઉન્ટમાં ‘ઇનસફિશિયન્ટ બેલેન્સ’ બતાવે છે અને સવાલ ઉઠે છે – “પૈસા નથી તો ગયા ક્યાં પપ્પા?”
ટીઝરમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્કેમર્સ વેબની દુનિયામાં છુપાયેલા હોય છે અને સામાન્ય માણસને ભરોસો અપાવી દે છે કે જે થઈ રહ્યું છે તે સાચું છે. ટીઝરના અંતમાં આવતો એક અજાણ્યો ફોન કોલ, જેમાં કહેવામાં આવે છે કે “આપકે બેટે કો હમને અરેસ્ટ કિયા હૈ” આખી ફિલ્મની ગંભીરતા અને સસ્પેન્સને વધુ ગાઢ બનાવે છે.
અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે જોવા મળશે. તેમની સાથે પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ જેવા મજબૂત કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી આ ફિલ્મ સાયબર છેતરપિંડીના એવા પાસાને સ્પર્શે છે જેની કોઈએ કલ્પના પણ નથી કરી હોતી.
સસ્પેન્સ, ડ્રામા અને સામાજિક સંદેશાથી ભરપૂર આ ફિલ્મ 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝર રિલીઝ થયા બાદ હવે દર્શકોમાં મલ્હાર અને શ્રુહદની આ જોડીને આધુનિક ક્રાઈમ થ્રિલરમાં જોવા માટે ભારે આતુરતા જોવા મળી રહી છે.
ટીઝર લિંક- https://www.youtube.com/watch?v=kp-8NmNU0uo

More Stories
નેશનલ એવોર્ડ વિજેતા અદ્ભુત ગુજરાતી ફિલ્મ ‘મારણ’નું ટ્રેલર જાહેર: ૩૧ જુલાઈના રોજ થશે થિયેટરોમાં રિલીઝ
ગુજરાતી સિનેમાની હિટ ડ્રામા ફિલ્મ ‘બેહદ’નું 9 જુલાઈથી JOJO એપ પર થશે સ્ટ્રીમિંગ
એક્શન અને ઍડવેન્ચરથી ભરપૂર મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ નું ટીઝર આઉટ! 7મી ઓગસ્ટથી સિનેમાઘરોમાં મચશે ધૂમ