ગુજરાતી પરિવારમાં જીવનસાથીની શોધ એ માત્ર બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત બાબત નથી હોતી. તેમાં આખો પરિવાર જોડાયેલો હોય છે, સાથે હોય છે અનેક મંતવ્યો, સવાલો અને સ્વાભાવિક રીતે જ સંબંધો ગોઠવવાના પ્રયાસો. શેમારૂમી પર રજૂ થતીશેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’ આ જ પરિસ્થિતિને હળવા હાસ્ય અને લાગણીસભર અંદાજમાં જીવંત બનાવે છે.
આ સિરીઝમાં જાન્હવી ગુરનાની શિવાની દવેની ભૂમિકા ભજવી રહી છે. શિવાની વડોદરાના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી એક આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી બેંક કર્મચારી છે. દરેક એપિસોડમાં શિવાની એક પછી એક સંભવિત જીવનસાથીઓને મળે છે અને દરેક મુલાકાત પોતાની સાથે કેટલીક અસહજ ક્ષણો, અણધાર્યા પ્રસંગો અને પરિવારની અલગ-અલગ પ્રતિક્રિયાઓ લઈને આવે છે. એક તરફ તેનો પરિવાર ઇચ્છે છે કે શિવાની હવે લગ્ન કરીને જીવનમાં સ્થિર થાય, તો બીજી તરફ શિવાની પોતાના માટે યોગ્ય જીવનસાથી શોધવા માગે છે. આ દરમિયાન પરિવારની અપેક્ષાઓ, લગ્ન માટેની ગોઠવણ અને આધુનિક સંબંધોની દુનિયામાંથી પસાર થતી શિવાની ધીમે-ધીમે એ પણ સમજવા લાગે છે કે યોગ્ય જીવનસાથી શોધવાની સાથે પોતાની જાતને ઓળખવી પણ એટલી જ જરૂરી છે.
આ કહાણીને દર્શકો સાથે જોડતી બાબત વિશે વાત કરતાં જાન્હવી ગુરનાની કહે છે, “મને લાગે છે કે દરેક યુવતીને શિવાનીમાં પોતાનો થોડો અંશ ચોક્કસ જોવા મળશે. તે પણ લગ્ન, પરિવારની અપેક્ષાઓ અને સંબંધીઓ દ્વારા પાત્ર શોધી આપવાના પ્રયાસો વચ્ચે જ મોટી થઈ છે. પરંતુ આ બધાની વચ્ચે તે પોતાની ઓળખ ગુમાવવા માગતી નથી. તેને પોતાની પસંદગી અને અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા છે. તેને માત્ર કાગળ પર યોગ્ય લાગતી વ્યક્તિ નહીં, પરંતુ ખરેખર પોતાના માટે યોગ્ય હોય એવી વ્યક્તિ શોધવી છે. શિવાનીની જે વાત મને સૌથી વધુ ગમે છે, તે એ છે કે તે પોતાના પરિવાર અને સંસ્કારોનું સન્માન કરે છે, પરંતુ સાથે જ પોતાની જિંદગી અને પોતાના નિર્ણયોનું પણ એટલું જ મહત્ત્વ સમજે છે. આ સંતુલન જ શિવાનીના પાત્રને મારા માટે ખૂબ જ વાસ્તવિક અને સહજ બનાવે છે. શેમારૂમી સાથે કામ કરતી વખતે અમે આ જ અસલિયત જાળવી રાખી શક્યાં છીએ, ભાષા, સંબંધો, હાસ્ય અને એવી નાની-નાની બાબતો, જે આ કહાણીને ખાસ બનાવે છે.”
શિવાનીની કહાણી એવી અનેક નોકરી કરતી મહિલાઓની વાસ્તવિકતાને પણ ઉજાગર કરે છે, જેઓ પોતાની શરતો પર જીવન ઘડવાની સાથે લગ્ન કરીને સ્થાયી થવાના સામાજિક દબાણનો પણ સામનો કરતી હોય છે.

લગ્ન પ્રત્યેના શિવાનીના અભિગમમાં પોતે કેટલી સામ્યતા અનુભવે છે તે અંગે વધુ વાત કરતાં જાન્હવી ઉમેરે છે, “મને લાગે છે કે લગ્નની બાબતમાં શિવાની અને મારી વિચારધારા ઘણી મળતી આવે છે. અમે બંને માનીએ છીએ કે સારી દીકરી હોવાનો અર્થ દરેક વાતમાં હા પાડવી એવો નથી. ‘ના’ પાડવાથી તમે મુશ્કેલ સ્વભાવનાં બની જતાં નથી, પરંતુ એ દર્શાવે છે કે તમને તમારી પોતાની કદર છે અને તમને તમારી ઇચ્છાઓની સ્પષ્ટ સમજ છે. શિવાની પોતાના પરિવાર, સંસ્કારો અને જે મૂલ્યો સાથે તે મોટી થઈ છે તેનું સન્માન કરે છે. તેની સફર કોઈ સંપૂર્ણ વ્યક્તિને શોધવાની નથી, પરંતુ પોતાના માટે યોગ્ય વ્યક્તિને શોધવાની છે , એવી વ્યક્તિ, જે તે જેવી સ્ત્રી છે તેનું સન્માન કરે અને તે જેવું જીવન ઘડવા માગે છે તેમાં તેને સાથ આપે. મને લાગે છે કે આજની ઘણી યુવા મહિલાઓ આ વાત સાથે પોતાને જોડી શકશે.”
પારિવારિક સંબંધો, હળવા હાસ્ય અને સંબંધો અંગેના સમકાલીન વિચારોના સુંદર સમન્વય સાથે ‘હજુ વાત ચાલે છે’ ગોઠવેલાં લગ્નની પ્રક્રિયાને એકદમ સહજ અને મનોરંજક અંદાજમાં રજૂ કરે છે. ગુજરાતી સંસ્કૃતિમાં ઊંડાં મૂળ ધરાવતી આ કહાણી એવા ભાવનાત્મક અનુભવોને પણ સ્પર્શે છે, જે દરેક સંસ્કૃતિ અને સમાજમાં સમાન રીતે અનુભવાય છે.
શેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’ ૨૨ ઑક્ટોબરથી માત્ર શેમારૂમી પર ઉપલબ્ધ છે. જોવાનું ચૂકશો નહીં!

More Stories
‘હોટેલ મોટેલ પટેલ’ ફિલ્મનું નવું ધમાકેદાર ગીત “લેટ્સ દિવાલી ડાન્સ!” રિલીઝ
કિંગ ઓફ સાળંગપુર’ના નિર્માતા-નિર્દેશકે લીધા સિદ્ધિવિનાયકજીના આશીર્વાદ, ૨૭ નવેમ્બરે ફિલ્મ થશે રિલીઝ
ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’ને સ્થાનિક સિનેમાઘરોમાં યોગ્ય શો અને સ્ક્રીન ફાળવવા પ્રાદેશિક સિનેમા ટીમ અને નિર્માતાઓની રાજ્ય સરકાર તથા સિનેમા માલિકોને નમ્ર અપીલ