અમદાવાદ — સપ્ટેમ્બર ૨૦૨૬માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ઈન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું સારું પ્રદર્શન નોંધાવ્યું છે. શહેરના શૈક્ષણિક ગૌરવને વધારતાં અમદાવાદના સાત વિદ્યાર્થીઓએ ઓલ-ઈન્ડિયા રેન્ક (AIR) પ્રાપ્ત કર્યો છે, જેમાં પ્રથમ એમ. શાહે સમગ્ર દેશમાં ૫મો રેન્ક અને મોદી અનુજ રૂપેશકુમારે ૯મો રેન્ક મેળવ્યો છે.
અમદાવાદ કેન્દ્રમાં બંને ગ્રુપ અને અલગ-અલગ ગ્રુપ એમ તમામ શ્રેણીમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઉત્સાહજનક રહ્યું છે. ‘બોથ ગ્રુપ્સ’ (બંને ગ્રુપ)માં પરીક્ષા આપનાર ૧,૩૭૫ વિદ્યાર્થીઓમાંથી ૨૪૫ ઉત્તીર્ણ થયા છે, જેનું પરિણામ ૧૭.૮૨% રહ્યું છે. અગાઉ મે ૨૦૨૬માં નોંધાયેલા ૬.૫૫% અને જાન્યુઆરી ૨૦૨૬માં નોંધાયેલા ૧૩.૧૯% ની સરખામણીએ આ ખૂબ જ મોટો ઉછાળો છે. ગ્રુપ-૧માં ૧,૪૧૬ માંથી ૩૫૦ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨૪.૭૨% પરિણામ આવ્યું છે, જ્યારે ગ્રુપ-૨માં ૭૪૦ માંથી ૧૬૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨૨.૦૩% પરિણામ નોંધાયું છે.

રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ પણ અમદાવાદનું પ્રદર્શન ઘણું આગળ રહ્યું છે. સમગ્ર દેશમાં ‘બોથ ગ્રુપ્સ’ માટે બેઠેલા ૩૮,૩૩૯ ઉમેદવારોમાંથી ૫,૦૬૬ પાસ થયા હતા, જેનો રાષ્ટ્રીય પાસ દર ૧૩.૨૧% રહ્યો. રાષ્ટ્રીય સ્તરે ગ્રુપ-૧નું પરિણામ ૨૩.૧૪% (૧,૦૦,૩૦૧ માંથી ૨૩,૨૧૦ પાસ) અને ગ્રુપ-૨નું પરિણામ ૧૮.૯૨% (૬૮,૪૦૦ માંથી ૧૨,૯૩૮ પાસ) રહ્યું હતું. આમ, તમામ શ્રેણીઓમાં અમદાવાદનું પરિણામ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે રહ્યું છે.
અમદાવાદ કેન્દ્રના સાત તેજસ્વી તારલાઓએ દેશના ટોચના રેન્કર્સમાં સ્થાન મેળવ્યું છે: પ્રશમ એમ શાહ (AIR 5), મોદી અનુજ રૂપેશકુમાર (AIR 9), અયાન શાહ (AIR 11), ઠક્કર દિયા મુકેશકુમાર (AIR 33), વકીલ હિત અક્ષયકુમાર (AIR 37), હેત ભૌમિકભાઈ દોશી (AIR 41) અને હર્ષિની શાલીન શાહ (AIR 42).
આ શાનદાર સફળતા વિદ્યાર્થીઓની સખત મહેનત, માર્ગદર્શકોના યોગ્ય માર્ગદર્શન અને શ્રેષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઘડવાની ગુજરાતની પરંપરાને દર્શાવે છે.

More Stories
આઇઆઇએ અમદાવાદ સેન્ટર દ્વારા ભવ્યતા સાથે ‘રંગ રાસ ’26’ ની ઉત્સાહભેર ઉજવણી
શેમારૂમીની ‘હજુ વાત ચાલે છે’ સાથે જામશે લગ્નની વાતોનો રંગ, જાન્હવી ગુરનાની અને રૌનક કામદાર મુખ્ય ભૂમિકામાં
11મા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં લેખકો, ફિલ્મસર્જકો અને વૈશ્વિક અવાજો સાથે મળીને વાર્તાઓના આનંદની ઉજવણી કરશે