August 4, 2026

ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ

અમદાવાદ :- કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે એઆરકે ઇવેન્ટ્સ દ્વારા 3 ઓગસ્ટ, 2026ના રોજ રિધમ-2 ખાતે “મેલોડીઝ ઇટર્નલ” નામનો ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. આ વિશિષ્ટ સાંજ ભારતીય સિનેમા જગતના અમર ગાયક કિશોર કુમારને સમર્પિત રહી હતી.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બહુમુખી ગાયિકા ડૉ. મિતાલી નાગનું ભાવસભર અને સુરીલું ગાયન રહ્યું. તેમણે કિશોર કુમારના અનેક અમર ગીતોની મનમોહક રજૂઆત કરીને ઉપસ્થિત સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ કરીને કિશોર કુમારના સ્વરમાં અમર બનેલા ટેન્ડમ ગીત “રિમઝિમ ગિરે સાવન”ની તેમની અદ્ભુત રજૂઆતને પ્રેક્ષકો તરફથી ખૂબ જ પ્રશંસા અને તાળીઓ મળી.

આ પ્રસંગે જાણીતા બહુમુખી ગાયક ભૂષણ અવસ્થીએ પણ ડૉ. મિતાલી નાગ સાથે મંચ વહેંચ્યો. બંને કલાકારોએ કિશોર કુમારના અવિસ્મરણીય એકલ ગીતો, યુગલ ગીતો તેમજ દુર્લભ ટેન્ડમ ગીતોની અદભુત રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું. “કરવટેં બદલતે રહે,” “યે રાતેં યે મૌસમ,” “અગર તુમ ના હોતે” સહિત અનેક સદાબહાર ગીતોની રજૂઆતને ઉપસ્થિત શ્રોતાઓએ ઊર્જાભેર તાળીઓ સાથે વધાવી લીધી.

કાર્યક્રમ માં પૂંજા બાપુ વાળા (માંડવગઢ) કે જે એક શિક્ષણવિદ્ છે અને હેરિટેજ ટુરિઝમ એસોસિએશન ઓફ ગુજરાત ના ફાઉન્ડર મેમ્બર છે એ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન યોગેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સંગીતરસિકોએ તમામ કલાકારોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની હાર્દિક પ્રશંસા વ્યક્ત કરી. “મેલોડીઝ ઇટર્નલ” માત્ર એક સંગીત કાર્યક્રમ નહીં, પરંતુ કિશોર કુમાર જેવા અમર સંગીતકારને અર્પાયેલી ભાવભીની સંગીતમય શ્રદ્ધાંજલિ બની રહ્યો. આ યાદગાર સાંજે સંગીતપ્રેમીઓને અવિસ્મરણીય સ્મૃતિઓ આપી અને કિશોર કુમારના અમર સંગીત વારસાને ફરી એકવાર જીવંત બનાવી દીધો.