- રીવારાચ્છ સાથે મોનલ ગજ્જર, નેત્રી ત્રિવેદી અને શ્રદ્ધા ડાંગરની ખાસ ઝલક; પાઘડીધારી સિંહ બન્યો ગીતનું આગવું આકર્ષણ
ગીરની ધરતી, ગુજરાતી સંસ્કૃતિ, ભક્તિ અને માનવ-સાવજ વચ્ચેના અનોખા સંબંધને કેન્દ્રમાં રાખતી આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’નું પ્રથમ મ્યુઝિકલ સોંગ ‘અંબા રમવા આવે’ સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મ ઓએસના સંયુક્ત ઉપક્રમે, શ્રી પરિમલ નાથવાણીના પાવન આશીર્વાદ સાથે નિર્મિત આ ભક્તિમય ગરબા ગીત ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ થતાં જ ફિલ્મના સંગીતમય સફરની શરૂઆત થઈ છે.
Song Link: https://youtu.be/_-pmr1mPRbk
ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત અને જાણીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ‘અંબા’ ડિસેમ્બર ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે. વિજયગીરી બાવા અને રામ મોરી દ્વારા લખાયેલી આ ફિલ્મ ગીરના જંગલોમાં માનવ અને સાવજ વચ્ચે વિકસતી ભાવનાત્મક નિકટતા, સહજીવન અને એક અનોખી દોસ્તીની સંવેદનશીલ કથાને રૂપેરી પડદે રજૂ કરશે.

ફિલ્મના પ્રથમ ગીત ‘અંબા રમવા આવે’માં ભક્તિ અને ગરબાના ઉત્સાહનો સુંદર સમન્વય જોવા મળે છે. સંગીતકાર જોડી કેદાર અને ભાર્ગવ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા આ ગીતને મિલિન્દ ગઢવીએ શબ્દો આપ્યા છે, જ્યારે વ્રત્તિની પુરોહિતએ પોતાના સુમધુર અને ભાવસભર અવાજમાં ગીતને સ્વરબદ્ધ કર્યું છે. ગીતના સંગીત અને શબ્દો સાથે તેના ભવ્ય વિઝ્યુઅલ્સ નવરાત્રિના ઉત્સવ તેમજ મા અંબા પ્રત્યેની શ્રદ્ધાનો માહોલ સર્જે છે.
‘અંબા રમવા આવે’ ગીતમાં ફિલ્મની મુખ્ય અદાકારા રીવા રાચ્છ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓ મોનલ ગજ્જર, નેત્રી ત્રિવેદી અને શ્રદ્ધા ડાંગર પણ ખાસ અંદાજમાં જોવા મળે છે. તેમની સાથેના ગરબાના સ્ટેપ્સ ગીતમાં ઉત્સવનો રંગ અને ઊર્જા વધારે છે.
ગીતના વિઝ્યુઅલ્સમાં સૌથી આગવું આકર્ષણ ગરબાના રંગમાં રંગાયેલો પાઘડીધારી સિંહ છે, જે ફિલ્મની ગીર સાથે જોડાયેલી થીમને એક અનોખી દૃશ્યાત્મક ઓળખ આપે છે. આ ઉપરાંત અનુભવી કલાકારો ફિરોઝ ઈરાની અને સ્વાતિ દવે પણ ગીતમાં મહત્વપૂર્ણ ઉપસ્થિતિ સાથે નજરે પડે છે.

ફિલ્મ ‘અંબા’માં રીવા રાચ્છ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ અને રિદ્ધિ ડાંગર જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મની કથાને સાકાર કરવામાં આ કલાકારોની ભૂમિકાઓ મહત્વપૂર્ણ રહેશે.
‘અંબા રમવા આવે’ની કોરિયોગ્રાફી સમીર અને અર્શ તન્ના દ્વારા કરવામાં આવી છે. બંને કોરિયોગ્રાફર્સ અગાઉ સંજય લીલા ભંસાલીની ફિલ્મોમાં પણ યાદગાર કોરિયોગ્રાફી આપી ચૂક્યા છે. તેમની કોરિયોગ્રાફીમાં ગરબાની પરંપરાગત લય, ભક્તિનો ભાવ અને ગીતની ભવ્યતાને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે.
નિર્માતા ભૂમિ નાથવાણી અને દિગ્દર્શક વિજયગીરી બાવાના મતે, ‘અંબા રમવા આવે’ માત્ર નવરાત્રિના ઉત્સવને ઉજવતું ગરબા ગીત નથી, પરંતુ ગીરની સંસ્કૃતિ અને મા અંબા પ્રત્યેના અપાર પ્રેમ અને આસ્થાનું પ્રતીક છે. ગીત દ્વારા ગુજરાતી સંસ્કૃતિના રંગો, ભક્તિભાવ અને ઉત્સવની ઊર્જાને એકસાથે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મ ‘અંબા’ની વાર્તા ગીરના જંગલોમાં માનવ અને સાવજ વચ્ચેના લાગણીસભર જોડાણ, સહજીવન અને અનોખી દોસ્તીની આસપાસ વણાયેલી છે. આ અનોખા વિષયને કારણે ફિલ્મમાં ગીરની પ્રકૃતિ, ત્યાંની સંસ્કૃતિ અને માનવીય સંવેદનાઓનો આગવો સમન્વય જોવા મળશે.
‘અંબા રમવા આવે’ હવે નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મ ઓએસની યુટ્યુબ ચેનલ સહિત તમામ અગ્રણી મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર સાંભળવા માટે ઉપલબ્ધ છે.

More Stories
Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham
મલ્હાર ઠાકર અને પૂજા જોશીની ‘ચટણી’: દિલ જીતી લેતી એક પ્રેરણાદાયી વાર્તા
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે