ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના ગૌરવપૂર્ણ આયોજન હેઠળ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા, અમદાવાદ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું. ગુજરાત માટે આ ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે રાજ્યમાં પ્રથમ વખત આ કક્ષાની આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન થયું.

૫ જુલાઈના રોજ ભારત અને લેબનોન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વીર સાવરકર સ્ટેડિયમમાં લગભગ ૪,૦૦૦ જેટલા દર્શકોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ, રોમાંચ અને દેશભક્તિના રંગોથી સરોબર કરી દીધું હતું. દર્શકોનો જોરદાર ઉત્સાહ અને ટીમ ઇન્ડિયાને મળેલું સમર્થન સમગ્ર મેચ દરમિયાન જોવા મળ્યું.
મેચમાં ભારતને લેબનોન સામે ૭૨-૯૮થી પરાજયનો સામનો કરવો પડ્યો, તેમ છતાં ભારતીય ટીમે સમગ્ર મેચ દરમિયાન શાનદાર રમત, અદમ્ય જુસ્સો, સમર્પણ અને લડાયક ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. લેબનોને શરૂઆતમાં ૧૫થી વધુ પોઈન્ટની સરસાઈ મેળવી હતી, પરંતુ ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં શાનદાર વાપસી કરીને અંતર નોંધપાત્ર રીતે ઘટાડ્યું અને હાફટાઈમ સુધી સ્કોર ૩૮-૪૮ કર્યો. આ પ્રદર્શનથી સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો.

પ્રણવ પ્રિન્સ, અરવિંદ મુથુ કૃષ્ણન, અરવિંદર સિંહ અને કુશલ સિંહે મહત્વપૂર્ણ સ્કોરિંગ યોગદાન આપ્યું, જ્યારે પ્રિન્સપાલ સિંહ અને પાલપ્રીત સિંહ બ્રારે રિબાઉન્ડમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને સમગ્ર મેચ દરમિયાન જોરદાર સંઘર્ષ કર્યો. લેબનોન તરફથી કરીમ ઝૈનૂને ૧૪ પોઈન્ટ નોંધાવી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ જીત સાથે લેબનોને ૨૦૨૭માં કતારમાં યોજાનારા FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
ત્રીજા ક્વાર્ટરમાં લેબનોને ૨૭-૧૬થી સરસાઈ મેળવી મેચ પર ફરી સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું અને અંતે જીત નોંધાવી. ભારતીય ટીમ માટે અનેક હકારાત્મક પાસાઓ જોવા મળ્યા. ટીમે લાંબા અંતરના શોટ્સમાં સારું પ્રદર્શન કર્યું તેમજ ૧૮માંથી ૧૪ ફ્રી થ્રો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા.
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન આ ઐતિહાસિક સ્પર્ધાના સફળ આયોજન માટે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, FIBA, ગુજરાત સરકાર, તમામ અધિકારીઓ, સ્વયંસેવકો, આયોજકો, સહયોગીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને ઉત્સાહિત કરનાર તમામ દર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના સફળ આયોજનથી ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં એક નવું અને ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન રાજ્યમાં બાસ્કેટબોલના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે અને ભવિષ્યમાં પણ આવી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ ગુજરાતમાં યોજાય તે માટે પ્રતિબદ્ધ છે.

More Stories
ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન
ગુજરાતમાં રચાશે નવો ઇતિહાસ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬
સોર્ટમાયકોલેજ દ્વારાઅમદાવાદમાં ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ ‘SMC સમિટ’ ની બીજી એડિશનનું ભવ્ય આયોજન