- સોન્ગ લિંક- – https://www.youtube.com/watch?v=XCTtnp2_Ltg
- લિરિકલ વિડિયોમાં રીવા રાચ્છ અને સાથી કલાકારો દેખાયા, હજું નૃત્ય કેવું હશે તેના માટે ફિલ્મ જ નીહાળવી પડશે.
ગુજરાતી સિનેમામાં આગવી ઓળખ ધરાવતા વિજયગીરી ફિલ્મોસ અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અંબા’નું બીજું નવું ગીત ‘ટિપ્પણી રાસ’ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પહેલા ડાન્સ વિડિયો અને પછી લિરિકલ વિડિયો રીલીઝ થતો હોય છે, પણ વિજયગીરી ફિલ્મોસ દર વખતે કંઇક નવીન કરવા માટે ઓળખાય છે. એવું જ આ ગીતમાં કર્યું, એમણે આ ગીતનો પહેલા લિરિકલ વિડિયો રીલીઝ કર્યો છે, જેમા રીવા રાચ્છ અને સાથી કલાકારો નજરે તો ચડે છે, પણ નૃત્ય કેવું હશે? ટિપ્પણી રાસ કેવો હશે? એ માટે પ્રેક્ષકોએ ફિલ્મની જ રાહ જોવી પડશે. આ ગીતમાં રીવા રાચ્છની સાથે રિદ્ધિ ડાંગર, ઝંખના સોની પટેલ, ચાર્મી કેલૈયા અને શ્વેતા પટેલ પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ગીરની આગવી સંસ્કૃતિ, નેહડાની ઝાંખી તથા ગીરના સ્થાનિક લોકો અને સિંહ વચ્ચેના લાગણીસભર અનોખા સંબંધોને રજૂ કરે છે.
આ ગીતનું કર્ણપ્રિય સંગીત જાણીતી સંગીતકાર જોડી કેદાર-ભાર્ગવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લિખિત છે. ગીતને વ્રત્તીની પુરોહિત, લિપિકા નાગ, સ્તુતી કરની, સુરભી, રાધિકા, કાવ્યા, પલક તથા અંજલિએ સંયુક્તપણે સ્વર આપ્યો છે. આવો પ્રાચિન તૈયાર કરવા માટે વિજયગીરી બાવાએ ગીર પંથકના જ સ્થાનિક લોકોની પસંદગી કરી હતી અને કોરીયોગ્રાફિ માટે ત્યાંના સ્થાનિક કૃપા ડાંગરને પસંદ કરવામાં આવ્યા હતા, જેઓ વર્ષોથી ટિપ્પણી રાસ માટે કાર્યરત છે.
ફિલ્મની ક્રિએટિવ ટીમ વિશે વાત કરીએ તો, તેનું દિગ્દર્શન વિજયગીરી બાવાએ કર્યું છે, નિર્માણ ભૂમિ નથવાણીએ તથા સહ-નિર્માણ ટ્વિંકલ વિજયગીરીએ કર્યું છે. ફિલ્મની મૂળ વાર્તા વિજયગીરી બાવાએ લખી છે, જ્યારે તેના સંવાદો રામ મોરીએ અને સ્ક્રીનપ્લે વિજયગીરી બાવા તથા રામ મોરીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. ગીરની માટીની સુવાસ અને સંસ્કૃતિને રજૂ કરતી આ ફિલ્મ આગામી ડિસેમ્બર મહિનામાં સમગ્ર ગુજરાતના થિયેટરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.
ઉલ્લેખનીય છે કે ટિપ્પણી રાસ એ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ચોરવાડ, વેરાવળ પ્રદેશનો પ્રાચિન રાસ છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયાને અથવા ઉપરના માળમાં વપરાયેલા ચૂનાના ગારાને ટીપી ટીપી મજબૂત બનાવવા માટે ટીપણી વપરાતી. ટીપવાના કામમાં આવતી એકવિધતાને રોચક બનાવવા માટે તે સાથે નૃત્ય કરવામાં આવતું. જેને આજે આપણે ટિપ્પણી નૃત્ય તરીકે ઓળખીએ છીએ.
આવો નૃત્ય પ્રકાર મોટે ભાગે સ્ટેજ ઉપર કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવવા રજૂ કરવામાં આવતો હોય છે, પણ ફિલ્મની અંદર આવા પ્રાચીન રાસને સ્થાન આપવાનું સાહસ જવલ્લે જ જોવા મળે છે. વિજયગીરી બાવા સંસ્કૃતિને વરેલા ડિરેક્ટર છે. એક આગવો નૃત્ય પ્રકાર ફિલ્મમાં રાખવાના કારણે જ કદાચ પ્રોડક્શન હાઉસે વિડિયો રિલિઝ કરવાની જગ્યાએ લિરિકલ વિડિયો રિલિઝ કર્યો છે, જેથી લોકોને અત્યારે ફિલ્મમાં આખો રાસ કેવો હશે તે જોવાની ભારે ઉત્સુક્તા થઇ રહી છે.

More Stories
આસ્થા અને ભક્તિનો અદ્ભુત સંગમ, ‘કિંગ ઓફ સાળંગપુર’ નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ
ફિલ્મ રિવ્યુ: “ચોર નં. ૧” — અમદાવાદ પ્રીમિયરમાં હાઉસફુલ માહોલ અને દર્શકોના ઉત્સાહ વચ્ચે એક શાનદાર સસ્પેન્સ-કોમેડી ડ્રામા!
‘દ્વાન પ્રોડક્શન’ની નવી ગુજરાતી ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર એનાઉન્સમેન્ટ, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ થશે રિલીઝ