જો કોમેડી ફિલ્મોની વાત કરવા બેસીએ તો પ્રયદર્શનની હેરાફેરી, હંગામા, હલચલ, ભાગમભાગ, ખટ્ટામીઠા જેવી અનેક ફિલ્મોના સીન, સંવાદો યાદ કરીને આપણે આજે પણ હસી પડીએ છીએ. ઉપરાંત કોમેડી ઝોનરની અનેક એવી હિન્દી ફિલ્મો આવારા પાગલ દિવાના, દિવાને હુએ પાગલ આજે પણ યાદ છે. ગુજરાતી ફિલ્મોમાં કોમેડી ફિલ્મોની વાત કરીએ તો અફરાતફરી, બાઘડબિલ્લા, ફાટીને?, વિકીડાનો વરઘોડો જેવી આંગળીના ટેરવે ગણી શકાય એટલી જ ફિલ્મો હશે જે આપણને મન મૂકીને હસાવે છે. જો તમને કોમેડી ઝોનરની ફિલ્મો જોવી પસંદ છે તો આજે જ રિલીઝ થયેલી ફિલ્મ “બધુ ઓલરાઇટ છે” જોવાની ચૂકશો નહી.. ફિલ્મ શરુ થવાની પહેલી મીનિટથી લઇને ફિલ્મ પૂરી થવાના અમુક કલાકો સુધી પણ તમને હસાવતા રાખસે તેની 100% ગેરંટી છે.
ફિલ્મના પાત્રો વિરાજ ઘેલાણી, દીપ વૈદ્ય, પ્રેમ ગઢવી, ચેતન દૈયા, જ્હાનવી ગુરનાની, શરદ વ્યાસ, મોરલી પટેલ, મેહૂલ બુચ, જય ઉપાધ્યાય, વીનિતા જોષી, મિહિર રાજડા, કેવિન જાની, કૃણાલ પંડિત, ખુશ્બુ ત્રિવેદી – સૌનો અભિનય ખૂબ જ દમદાર, માર્કેબલ. વિરાજ ઘેલાણીએ થોડી ઓવર એક્ટિંગ ના કરી હોત તો ફિલ્મ 100 માંથી 100 માર્ક્સ લઇ જાત.. પણ ફિલ્મ 100 માંથી 85 માર્ક્સ તો લઇ જ જાય છે. ત્રિકમ પોપટીયા ઉર્ફે સાવજના અભિનયમાં દીપ વૈદ્યએ ખૂબ કમાલ કરી છે, પાત્રમાં જાન રેડી દીધી એમ કહીએ તો ખોટું નથી. ફિલ્મને ડિરેક્ટ કરી છે ઉમંગ વ્યાસે જેમણે આ પહેલા જમકુડી ફિલ્મમાં પણ પોતાના દિગ્દર્શનની કમાલ બતાવી છે.
ફિલ્મની વાર્તા બિરજુ માવવાલાથી શરુ થાય છે જે ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે, મીટિંગમાં વિદેશી ક્લાયન્ટ સામે પ્રેઝન્ટેશન આપતા પહેલા જ તેના ઓફિસ કલીગ્સ દ્વારા નશાવાળી ચોકલેટ ખવડાવી દેવામાં આવે છે જેથી બિરજુ કંપનીના બોસ સામે અને ક્લાયન્ટ સામે ધીંગાણા કરે છે અને તેને નોકરીમાંથી ફાયર કરી દેવામાં આવે છે, તે ઇન્ડિયા પરત ફરે છે અને પોતાના પિતાજીનો બિઝનેસ સંભાળવાની વાત કરે છે પણ તેના પિતા મનસુખ માવાવાલા (શરદ વ્યાસ) તેને લાઇફમાં પહેલા સેટલ થવાનું કહે છે, સેટલ એટલે લગ્ન કરી બાળકો સાથે સેટલ થવાની વાત. બિરજુના લગ્ન ધરા (જ્હાનવી ગુરનાની) સાથે થાય છે, પણ ઘણા મહિનાઓ સુધી બાળક ન રહેતા બિરજુને કમીને ટાઇપ્સના આઇડિયાઝ આવે છે, તે ધરાને પોતાની અંગત પળોનો વીડિયો રેકોર્ડ કરવા માટે મનાવે છે અને તે અંગત પળોનો વીડિયો જોઇને તેઓ શું ઇમ્પ્રુવાઇઝ કરી શકે તે સમજવા બિરજુ તેના પિતાની ઓફિસે એક કેબિનમાં બેસીને વીડિયો જોઇ રહ્યો હોય છે ત્યાં આઇટીની રેડ પડે છે અને જે લેપટોપમાં બિરજુ વીડિયો જોતો હોય છે તે લેપટોપ પણ તેમાં આઇટી ઇન્સ્પેક્ટર ઝાલા (મેહુલ બુચ) લઇ જાય છે. એ અંગત પળોનો વીડિયો વાયરલ ના થઇ જાય એ ટેન્શનમાં બિરજુ એ લેપટોપ પરત મેળવવા ખૂબ જ પ્રયાસો કરે છે અને તે દરમ્યાન સર્જાતી ટ્રેજેડીથી ઉદભવતી કોમેડી દર્શકોને પેટ પકડીને હસાવે છે.
દરેક પાત્રોને ભાગે પૂરતુ કામ આવ્યું છે. આ ફિલ્મમાં કોઇ લીડ એક્ટર છે એમ કહેવું યોગ્ય નથી, બધા જ પાત્રો વિશેષ છે. શું બિરજુને તેનું લેપટોપ પાછું મળે છે, શું બિરજુ અને ધરાનો વીડિયો વાયરલ થઇ જાય છે – એ જાણવા ફિલ્મ જોવી જરુરી છે. બિરજુ અને ધરાની વાર્તાની સાથે સાથે ફિલ્મમાં ત્રિકમ પોપટીયા ઉર્ફે સાવજની વાર્તા, તેને સ્ટોરી સંભળાવનાર લેખકની વાત, બિરજુની ઓફિસે આઇટીની રેડ પાડનાર ઇન્સપેક્ટર ઝાલાની વાર્તા, ડોનનું પાત્ર ભજવનાર લાલા ભરવાડ (ચેતન દૈયા)ની વાર્તા, યુવતીઓના અભદ્ર વીડિયો રેકોર્ડ કરી લેનાર પિન્કેશ નાગોરિયા (પ્રેમ ગઢવી)ની વાર્તા, છૂટાછેડા મેળવવા માટે કોર્ટના ધક્કા ખાઇ રહેલા રવિ રાજગોર (મિહીર રાજડા) અને મીરા રાજગોર (વિનીતા જોષી)ની વાર્તા ચાલતી રહે છે અને દરેક વાર્તા પ્રેક્ષકોને કનેક્ટ કરે છે.
માનસિક તણાવમાંથી રાહત આપે તેવી સરસ મજાની કોમેડી ફિલ્મ એટલે “બધુ ઓલરાઇટ છે!”.
વિરાજ ઘેલાણીની ઓવર એક્ટિંગનો એક સ્ટાર બાદ કરતા, ન્યુઝઆસપાસડોટકોમ તરફથી ફિલ્મને પાંચમાંથી ચાર સ્ટાર.

More Stories
પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ 11મી જૂનથી ‘JOJO એપ’ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે
સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન