June 16, 2026

રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ ‘કડકનાથ’નું ધમાકેદાર ટ્રેલર આઉટ!

ગુજરાતી સિનેમા જગતમાં એક અનોખી અને ચોંકાવનારી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘કડકનાથ’. તાજેતરમાં જ આ ફિલ્મનું સત્તાવાર અને અત્યંત રોમાંચક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતથી જ દર્શકોમાં એક અજાણ્યો ભય અને ઉત્સુકતા જોવા મળી રહી છે. “તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે” જેવા ગંભીર ડાયલોગ સાથે શરૂ થતી આ ફિલ્મ માત્ર એક સામાન્ય વાર્તા નથી, પરંતુ એક પાવરફુલ “ફોક થ્રિલર”  છે, જે 26 જૂન, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

ટ્રેલરની ઝલક પ્રમાણે, આખી વાર્તા એક રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક યુવાનોના ભેદી મોતના કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને લોકો ડરીને સ્થળાંતર કરી રહ્યા છે. આ ભેદ ઉકેલવા પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે પરંતુ આ કોઈ સામાન્ય ગુનો નથી, કારણ કે કોઈ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. આ બધાની વચ્ચે મુખ્ય પાત્ર આ રહસ્યમય જંગલ અને કાળા સચ્ચાઈ સુધી પહોંચવા નીકળે છે. કાળા રંગના કડકનાથ મરઘા, અંધારી રાતો, બળતી ચિતાઓ અને રહસ્યમય વાતાવરણ ફિલ્મને વધુ ઘેરું અને રોમાંચક બનાવે છે.

આ શાનદાર વાર્તાનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ગુજરાતી સિનેમામાં કંઈક નવું અને વૈવિધ્યસભર પીરસવાનો અદભુત પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા અભિનય બેંકર છે અને તેમની સાથે ડેનિશા ઘુમરા, ચેતન દૈયા, નીરવ ભાભોર, નિશુ ત્રિવેદી, પરમેશ્વર સિરસીકર, હેત પંચાલ, સૂર્યાંશી શાહ, સી. પી. લક્ષ્મણ, ચેતનકુમાર સોલંકી, એ. જી. કુરેશી અને ડૉ. અમિત ડામોર જેવા સક્ષમ કલાકારોએ પોતાના અભિનયનો જાદુ વિખેર્યો છે.

 લેન્સક્વીન ફિલ્મ્સ (Lensqueen Films)ના બેનર હેઠળની આ ફિલ્મ વિહંગ રાઠોડ અને  નીરવ ભાભોર દ્વારા  પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ રહસ્યમય સફર આગામી ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સસ્પેન્સ, ડ્રામા અને ફોક કલ્ચરનું આ અનોખું મિશ્રણ દરેક સિનેમાપ્રેમીઓ માટે અચૂક જોવા જેવું રહેશે.

ટ્રેલર લિંક – https://youtu.be/eJv-V_Kdwus?si=JaYbFh6iQ1o64wpj