November 6, 2026

‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’નું 22મી નવેમ્બરના રોજ આયોજન : વિવિધ ક્ષેત્રોની ઉભરતી પ્રતિભાઓ અને પ્રેરણાદાયી સંઘર્ષયાત્રાઓનું થશે બહુમાન

અમદાવાદ : કળા, સંગીત, મનોરંજન, ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોની વિશેષ પ્રતિભાઓને એક જ મંચ પર સન્માનિત કરવા માટે 22મી નવેમ્બરના રોજ ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન ૩’ ના ભવ્ય આયોજનની સત્તાવાર ઘોષણા આયોજક પુનિતજી લુલ્લા દ્વારા કરવામાં આવી છે. અગાઉની બંને સીઝનની અભૂતપૂર્વ સફળતા અને મળેલા બહોળા પ્રતિસાદ બાદ આ સીઝન 3 ને વધુ વ્યાપક અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. આ વર્ષે માત્ર સિદ્ધિઓને જ નહીં, પરંતુ દરેક એવોર્ડ વિજેતા પાછળ રહેલી અથાક મહેનત અને પ્રેરણાદાયી સંઘર્ષયાત્રાને પણ સમાજ સમક્ષ લાવવાનો વિશેષ પ્રયાસ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ સીઝનની ખાસિયતો અને ઉદ્દેશ્ય અંગે વિગતવાર માહિતી આપતાં આયોજક પુનિતજી લુલ્લાએ જણાવ્યું હતું કે, “સીઝન 1 અને સીઝન 2 ને મળેલા પ્રેમ અને પ્રોત્સાહન સાથે અમે સીઝન 3 તરફ આગળ વધી રહ્યાં છીએ. આ વખતે અમારો મુખ્ય પ્રયાસ વધુ ને વધુ વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને એકસાથે જોડવાનો અને તેમના કાર્યની સાથે તેમની સંઘર્ષયાત્રાને લોકો સુધી પહોંચાડવાનો છે. દરેક સન્માન પાછળની પ્રેરણાદાયી કહાની આ સીઝનની મુખ્ય ખાસિયત બનશે. વિજેતાઓની પસંદગીમાં વ્યક્તિનું કાર્ય, પોતાના ક્ષેત્ર પ્રત્યેનું સમર્પણ, સર્જનાત્મકતા, સિદ્ધિઓ અને સમાજમાં તેમનું યોગદાન મુખ્ય આધાર રહેશે. મોટી ઓળખ ધરાવતી હસ્તીઓની સાથે સાથે શાંતિથી નિષ્ઠાપૂર્વક ઉત્તમ કામ કરતી સુષુપ્ત પ્રતિભાઓને પણ યોગ્ય ઓળખ મળે તે અમારો પ્રાથમિક અભિગમ છે.”

આ એવોર્ડ્સ સમારોહમાં સંગીત, ગાયન, કલા, મનોરંજન, મહિલા સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોની યુવા પ્રતિભાઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિઓનું બહુમાન કરવામાં આવશે. આ વર્ષે નોમિનેશન્સ મેળવનાર પ્રતિભાઓમાં અદભુત ઉત્સાહ, મહેનત અને કાર્ય પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. ક્ષેત્રના અનુભવી અને તટસ્થ મૂલ્યાંકન કરી શકે તેવા નિષ્ણાતોની જજ અને જ્યુરી પેનલ તેમજ અંતિમ શ્રેણીઓની યાદી ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

કાર્યક્રમની રૂપરેખા વિશે વાત કરતાં પુનિતજી લુલ્લાએ ઉમેર્યું કે, ભવ્ય સમારોહમાં મહેમાનોનું સ્વાગત, સાંસ્કૃતિક અને સંગીતમય પ્રસ્તુતિઓ, સન્માનિત પ્રતિભાઓની સફરની ઝલક તેમજ વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. ઉગતી પ્રતિભાઓને સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે, નવી પ્રતિભાઓ પોતાની કળા પર વિશ્વાસ રાખી સતત મહેનત કરે અને ઈન્ડસ્ટ્રી તેમજ સમાજ આવી નવી પ્રતિભાઓને આગળ વધવા માટે પૂરતી તક અને પ્રોત્સાહન આપે. આગામી સમયમાં ‘’ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સને વધુ શહેરો સુધી વિસ્તારવાની અને સન્માનની સાથે માર્ગદર્શન, વર્કશોપ તથા પરસ્પર જોડાણની તકો ઊભી કરી પ્રતિભાઓને આગળ વધવાની યોગ્ય દિશા આપવાની તેમની યોજના છે.