August 25, 2026

JOJO OTT પર ‘ધબકારો’નું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર: 27 ઓગસ્ટે સ્ટ્રીમ થશે આ ઈમોશનલ ડ્રામા ફિલ્મ

  • નેશનલ એવોર્ડ વિજેતા સર્જકની ઈમોશનલ ડ્રામા ફિલ્મ હવે વિશ્વભરના ગુજરાતી દર્શકો JOJO OTT પર નિહાળી શકશે; દેવેન ભોજાણી, આર્જવ ત્રિવેદી અને કુમુદ મિશ્રા જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ છે ફિલ્મ

અમદાવાદ: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે પ્રીમિયમ અને ગુણવત્તાસભર કન્ટેન્ટ પીરસતા અગ્રણી OTT પ્લેટફોર્મ JOJO એ આજે તેના દર્શકો માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ના નિર્દેશક અભિષેક શાહ દ્વારા નિર્દેશિત અને બોક્સ ઓફિસ પર તથા વિવેચકો દ્વારા ખૂબ વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’ આગામી 27 ઓગસ્ટના રોજ એક્સક્લુસિવલી JOJO OTT એપ પર ડિજિટલ પ્રીમિયર થવા માટે તૈયાર છે.

‘ધબકારો’ ફિલ્મનું નિર્માણ નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ, ધ મૂવિંગ મંચ અને હરફનમૌલા ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. તેના પ્રોડ્યુસર્સ યતીન પંચાસરા, કંદીસા પંચાસરા, અમર દેસાઈ, જૈમિન પટેલ, આયુષ પટેલ, અભિષેક શાહ, મીત જાની અને પ્રતિક ગુપ્તા છે; જ્યારે દીપ્તિ દિનેશ જિંદાલ એસોસિએટ પ્રોડ્યુસર અને બંસરી ઘાઘડા કો-પ્રોડ્યુસર તરીકે સેવા આપી રહ્યા છે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું છે. પીઢ અભિનેતા દેવન ભોજાણી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જેમાં આર્જવ ત્રિવેદી, કુમુદ મિશ્રા, તેજલ પંચાસરા અને સનત વ્યાસના શાનદાર અભિનયનો સહયોગ મળ્યો છે. ફિલ્મનું સંગીત મેહુલ સુરતી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઘોષણા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO App ના ફાઉન્ડર અને CEO ધ્રુવિન શાહે  જણાવ્યું હતું કે, “JOJO નો મુખ્ય ઉદ્દેશ્ય શ્રેષ્ઠ અને વિશ્વસ્તરીય ગુજરાતી સ્ટોરીટેલિંગને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો છે. અભિષેક શાહ જેવા નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટરની ફિલ્મ ‘ધબકારો’ને આગામી 27 ઓગસ્ટે અમારા પ્લેટફોર્મ પર લાવતા અમે અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ ફિલ્મ માત્ર એક વાર્તા નથી, પણ માનવીય સંવેદનાઓ અને પશ્ચાતાપનો એક ઊંડો અનુભવ છે. દેવેન ભોજાણી અને સમગ્ર કાસ્ટનો શાનદાર અભિનય દરેક દર્શકના હૃદયને સ્પર્શી જશે. અમને પૂરો વિશ્વાસ છે કે થિયેટરો બાદ હવે JOJO પર પણ આ ફિલ્મને દર્શકોનો અપરંપાર પ્રેમ મળશે.”

ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલાએ જણાવ્યું હતું કે, “ગુજરાતી સિનેમા તેની સ્ટોરીટેલિંગ માટે જાણીતું છે. ‘ધબકારો’ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવો એ નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ માટે એક ખૂબ જ ખાસ અનુભવ રહ્યો છે. આ હૃદયસ્પર્શી વાર્તાને વિશ્વભરના ગુજરાતી દર્શકો સુધી પહોંચાડવા અને પ્રાદેશિક સિનેમાનો વ્યાપ વધુ મજબૂત કરવા માટે JOJO (જોજો) સાથે ભાગીદારી કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે.”

ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ એ જણાવ્યું હતું કે, “‘ધબકારો’ મારા માટે એક ખૂબ જ ખાસ અને ઈમોશનલ ફિલ્મ છે. આ વાર્તા માનવીય સંવેદનાઓ અને જીવનમાં મળતી બીજી તક વિશે છે. દેવન ભોજાણી સહિતના તમામ કલાકારોએ આ વાર્તાને ખૂબ સુંદર રીતે જીવંત કરી છે. JOJO એપના માધ્યમથી આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતી દર્શકો સુધી પહોંચશે તેનો મને આનંદ છે.”

હૃદયસ્પર્શી કથા ધરાવતી ફિલ્મ ‘ધબકારો’ એક ધનાઢ્ય અને નિષ્ઠુર વેપારી ડાહ્યાભાઈ (દેવેન ભોજાણી) ની વાર્તા છે, જેમના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી તેમના જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં મોટો બદલાવ આવે છે અને તેઓ ભૂતકાળમાં કરેલી ભૂલો અને અન્યાય બદલ માફી માંગવાની એક લાગણીસભર સફર પર નીકળે છે.

JOJO એપ તેના દર્શકોને સતત નવું અને મનોરંજક કન્ટેન્ટ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. 27 ઓગસ્ટથી વિશ્વભરના ગુજરાતી દર્શકો પોતાની મનપસંદ સ્માર્ટ ટીવી કે મોબાઈલ સ્ક્રીન પર JOJO એપ ડાઉનલોડ કરીને ‘ધબકારો’ ફિલ્મનો આનંદ માણી શકશે.

JOJO એ વિશ્વભરમાં ગુજરાતી કન્ટેન્ટ પિરસતું એક ઝડપથી ઉભરતું ડિજિટલ મનોરંજન પ્લેટફોર્મ છે. ઓરિજિનલ વેબ સીરિઝ, હિટ ફિલ્મો, નાટકો અને સંગીત દ્વારા JOJO ગ્લોબલ ગુજરાતી સમુદાયને પોતાની માતૃભાષા અને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું કાર્ય કરી રહ્યું છે.