- યુરોપમાં ભારતીય ફૂટબોલ પ્રતિભાઓ માટે તકોનો માર્ગ તૈયાર કરવાનો દ્રષ્ટિકોણ
અમદાવાદ: યુવા ઉદ્યોગસાહસિક અને ફૂટબોલપ્રેમી જય અગ્રવાલે પોર્ટુગલની ચોથા ડિવિઝનની ફૂટબોલ ક્લબ ‘ગાર્ડા એફસી’ (Guarda FC)માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ સાથે, ફૂટબોલ ક્ષેત્રમાં માત્ર વાતો કરવાને બદલે વાસ્તવિક સ્તરે પગલાં લેનારા ભારતના ખૂબ જ મર્યાદિત અને વિશિષ્ટ ઉદ્યોગસાહસિકોના જૂથમાં તેમનો સમાવેશ થયો છે.
ક્લબની નવી માલિકી માળખાના ભાગરૂપે, ‘ગાર્ડા ફુટેબોલ ક્લબ – ફુટેબોલ, SAD’ (Guarda Futebol Clube – Futebol, SAD)ના CEO તરીકે જય અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પોર્ટુગલમાં ક્લબના રમતગમત અને વ્યાવસાયિક વિકાસને વેગ આપવા તેમજ તેના આંતરરાષ્ટ્રીય વિસ્તરણના લક્ષ્યોને સાકાર કરવા માટે વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ક્લબ સાથે જોડાયા છે.
આ અધિગ્રહણ અંગે વાત કરતા, ‘ગાર્ડા ફુટેબોલ ક્લબ – ફુટેબોલ, SAD’ (Guarda Futebol Clube – Futebol, SAD)ના CEO જય અગ્રવાલે કહ્યું, “ફૂટબોલ ક્લબની માલિકી મેળવવી એ મારું લાંબા સમયથી સેવાયેલું સ્વપ્ન હતું. હું કોઈ સૌથી મોટી ક્લબ કે અત્યંત આકર્ષક તકની શોધમાં નહોતો – હું એવા પ્રોજેક્ટની શોધમાં હતો, જેમાં હું ખરેખર સકારાત્મક પરિવર્તન લાવી શકું, અને મને તે તક ‘ગાર્ડા એફસી’ (Guarda FC)માં મળી.”ગાર્ડા (Guarda)માં સ્થિત આ ક્લબનો પાયો અત્યંત જુસ્સાદાર લોકો દ્વારા મજબૂત રીતે રચાયો છે અને તે સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. મારી મહત્વાકાંક્ષા ક્લબના ટકાઉ વિકાસમાં યોગદાન આપવાની સાથે સાથે, એશિયાના પ્રતિભાશાળી યુવા ફૂટબોલરો માટે યુરોપિયન ફૂટબોલનો અનુભવ મેળવવાની તકો ઊભી કરવાની પણ છે. જો આપણે એવો માર્ગ તૈયાર કરી શકીએ, જેના દ્વારા મુઠ્ઠીભર ખેલાડીઓ પણ તેમનું આ સ્વપ્ન સાકાર કરી શકે, તો તે ભારતીય અને યુરોપિયન ફૂટબોલ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક અર્થપૂર્ણ પગલું સાબિત થશે.”
ગાર્ડા એફસી એસએડી (Guarda FC SAD)ના પ્રમુખ ગેબ્રિયલ કેલ્ડીરા આલ્વેસે કહ્યું, “અમે ગાર્ડા એફસી પરિવાર સાથે જયનું સ્વાગત કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમારી શરૂઆતની વાતચીતથી જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ એવી ક્લબ બનાવવાની અમારી મહત્વાકાંક્ષા સાથે સહમત છે, જે પોતાની ઓળખ અને જે સમુદાયનું તે પ્રતિનિધિત્વ કરે છે, તેના પ્રત્યે નિષ્ઠાવાન રહીને યુવા પ્રતિભાઓનો વિકાસ કરે. તેમનો આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ, ઉદ્યોગસાહસિક અભિગમ અને દીર્ઘકાલીન વિઝન ક્લબ માટે એક નવો અભિગમ લઈને આવે છે, અને ગાર્ડા એફસી માટેના આ નવા અધ્યાયની શરૂઆત કરતી વખતે તેમની સાથે મળીને કામ કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
પોર્ટુગલના સુંદર શહેર ‘ગાર્ડા’ (Guarda)માં સ્થપાયેલી ‘ગાર્ડા એફસી’ (Guarda FC)એ ટકાઉ કામગીરી, યુવા વિકાસ અને સ્થાનિક સમુદાય સાથેના ગાઢ સંબંધો દ્વારા મજબૂત પાયો ઊભો કર્યો છે. તાજેતરમાં જ ‘કેમ્પેઓનાટો ડી પોર્ટુગલ’ (Campeonato de Portugal)માં સ્થાન મેળવ્યા બાદ, આ ક્લબ વિશ્વના વિવિધ ખૂણાઓમાંથી આવેલા પોર્ટુગીઝ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે નવી સીઝનની શરૂઆત કરશે; સાથે જ પોતાની વિરાસત અને ગાર્ડા શહેર સાથેના ગાઢ જોડાણને પણ જાળવી રાખશે.
હાલમાં ‘લા લીગા બિઝનેસ સ્કૂલ’ (LaLiga Business School) ખાતે ‘ગ્લોબલ સ્પોર્ટ્સ માર્કેટિંગ’માં માસ્ટર્સનો અભ્યાસ કરી રહેલા અને છેલ્લા કેટલાક વર્ષોથી યુરોપિયન ફૂટબોલના માળખા, ખેલાડીઓના વિકાસ તથા ક્લબના સંચાલનનો નજીકથી અભ્યાસ કરનાર જય આ તમામ જ્ઞાનનો ઉપયોગ કરીને યુરોપમાં એક એવું મોડેલ વિકસાવવાની આશા રાખે છે, જે સ્વાભાવિક રીતે વિકસે અને સાથે સાથે વિશ્વભરના ખેલાડીઓને પોર્ટુગલના આ સુંદર વિસ્તારમાં આવીને તાલીમ લેવા, રમવા અને પોતાની કુશળતાને વધુ નિખારવા માટે પ્રોત્સાહિત કરે.
આગામી ૧૨ મહિના દરમિયાન, ક્લબની પ્રાથમિકતાઓમાં તેની રમતગમત અને વ્યાવસાયિક કામગીરીને વધુ મજબૂત બનાવવી, તેની ડિજિટલ ઉપસ્થિતિમાં વધારો કરવો, ચાહકો સાથેનું જોડાણ (એન્ગેજમેન્ટ) વધારવું તેમજ આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને યુવા વિકાસની પહેલ માટે પાયો નાખવાનો સમાવેશ થાય છે, જે ક્લબના લાંબા ગાળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
ક્લબની સફર સાથે જોડાયેલા અપડેટ્સ માટે https://www.instagram.com/guarda_fc_sad પર મુલાકાત લો.
જય અગ્રવાલ વિશે વધુ જાણવા માટે https://www.instagram.com/jaiagarwala/ પર મુલાકાત લો.

More Stories
અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત યોજાયેલા FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સનો ઐતિહાસિક પ્રારંભ
અમદાવાદમાં ‘UBS એથ્લેટિક કિડ્સ કપ સીઝન- 3′ યોજાશે : ભારતના ભાવિ ઓલિમ્પિયનોને પ્રોત્સાહન
JOJO Ltd. નવી મુંબઈ પ્રીમિયર લીગ સીઝન 4 માટે બેલાપુર બ્લાસ્ટર્સ સાથે ઓફિશિયલ સ્પોન્સર તરીકે જોડાયું