September 12, 2026

પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ

  • EForU Entertainment અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી લાવે છે નવો ફેમિલી એન્ટરટેઈનર ડ્રામા.
  • ‘લવની ભવાઈ’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થિયેટરોમાં ધૂમ મચાવશે.
  • લગ્ન પછી પ્રથમ વખત રિયલ લાઈફ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશી મોટા પડદા પર એકસાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
  • ટ્રેલર લિંક:- https://www.youtube.com/watch?v=xtHqhDT1n0A

અમદાવાદ: વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આ ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે હવે બહુપ્રતિક્ષિત ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ચટણી’ (Chatni) નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. EForU Entertainment દ્વારા પ્રસ્તુત અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માણ પામેલી આ ફિલ્મનું નિર્દેશન સંદીપ પટેલે કર્યું છે. ટ્રેલરમાં ફિલ્મની વાર્તા, લાગણીઓ અને મનોરંજનની એક અદ્ભુત ઝલક જોવા મળે છે, જેણે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

ટ્રેલરમાં ફિલ્મની રસપ્રદ વાર્તાની ઝલક દર્શાવવામાં આવી છે, જેમાં ૧૨૫ વર્ષ જૂની કૌટુંબિક પરંપરાગત વાનગી અને ચટણીના વારસાને આધુનિક બ્રાન્ડ બનાવવાની એક યુવાન (મલ્હાર ઠાકર)ની ઝૂંબેશ જોવા મળે છે. પોતાના પિતાના વિરોધ, સિટી લાઈફના પડકારો અને ધંધાકીય સંઘર્ષ વચ્ચે પણ પોતાની ગૃહિણી માતાના હાથની ચટણીના અસલ સ્વાદને શહેરીજનો સુધી પહોંચાડવાનું તેનું સ્વપ્ન, પ્રેમ અને કૌટુંબિક લાગણીઓની આસપાસ ફિલ્મની કથા ફરે છે. ટ્રેલર દર્શાવે છે કે ‘ચટણી’ એ માત્ર એક બિઝનેસ ડ્રામા નથી, પરંતુ પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે હાસ્ય, પ્રેમ અને પારિવારિક મુલ્યોનું મનોરંજક મિશ્રણ છે.

ફિલ્મની મુખ્ય આકર્ષક બાબત એ છે કે ઢોલીવુડની લોકપ્રિય રિયલ લાઈફ જોડી મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન પછી પ્રથમ વખત મોટા પડદા પર એકસાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી અને સુંદર અભિનય દર્શકોના દિલ જીતી રહ્યા છે.

પરિવાર, પ્રેમ અને સંબંધોના ઉતાર-ચડાવ પર આધારિત આ વાર્તા સંદીપ પટેલ અને હર્ષ શોધન દ્વારા લખવામાં આવી છે. જે રીતે ભારતીય થાળીમાં ‘ચટણી’ સ્વાદમાં વધારો કરે છે, તે જ રીતે આ ફિલ્મ પણ હાસ્ય, કૌટુંબિક લાગણીઓ અને મનોરંજનનો પરફેક્ટ સમન્વય સાબિત થશે.

ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશી ઉપરાંત પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં પ્રશાંત મોદી, નિલેશ મોદી, અમિત વેડાવાલા અને હર્ષ પટેલ નિર્માતા છે, જ્યારે મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશી પોતે આ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મનું ભારતભરમાં ડિસ્ટ્રિબ્યુશન રૂપા એન્ટરટેઈનમેન્ટ અને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન OMG Pictures દ્વારા કરવામાં આવી રહ્યું છે. મનોરંજન, લાગણીઓ અને હાસ્યથી ભરપૂર ફિલ્મ ‘ચટણી’ આગામી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.