June 26, 2026

જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા ‘ઝેડ કેડ ગ્રુપ’ પ્રેરિત વિશેષ પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક ‘નો યોરસેલ્ફ’ (Know Yourself) નું ભવ્ય વિમોચન

•              જાતીય શિક્ષણ: મૌન નહીં, નિષ્ણાતો સાથે પેનલ ડિસ્કશન અને ‘નો યોરસેલ્ફ’ (Know Yourself )પુસ્તકનું લોકાર્પણ

સમાજમાં વર્ષોથી જાતીય શિક્ષણ (સેક્સ એજ્યુકેશન) પ્રત્યે પ્રવર્તતી ઓછી સમજણ, સંકોચ અને મૌનને તોડવાના એક ક્રાંતિકારી ઉદ્દેશ્ય સાથે ઝેડ કેડ ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ પુસ્તક વિમોચન કાર્યક્રમ અને પેનલ ડિસ્કશન અમદાવાદ ખાતે યોજાયું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના જે.બી. ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભારતભરમાં સેક્સ એજ્યુકેશન ક્ષેત્રના અગ્રણી વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત  પુસ્તક ‘નો યોરસેલ્ફ’ ( Know Yourself – Sexual Knowledge For You)’ નું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 ‘જાતીય શિક્ષણ: મૌન નહીં’ વિષય હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક ડૉ. ભદ્રાયુ વછરાજાની,  પ્રસૂતિ અને સ્ત્રીરોગના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. મિતાલી વસાવડા (ગાયનેકોલોજિસ્ટ), સુરતના જાણીતા કાઉન્સેલર, થેરાપિસ્ટ અને સાયકોલોજિસ્ટ રશ્મિ ઝા તથા અમદાવાદના એસોસિએટ પ્રોફેસર ડૉ. માર્ગી હાથી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના આ ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો. પેનલ ડિસ્કશનનું સંચાલન તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ઉપસ્થિત પુસ્તકના લેખક અને લોકભારતી યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પ્રાધ્યાપક ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ પોતાના સંબોધનમાં શિક્ષણ અને સામાજિક જાગૃતિના પાસાં પર વિશેષ ભાર મૂક્યો હતો. શિક્ષણ ક્ષેત્રે ૩૬ વર્ષની ભવ્ય કારકિર્દી ભોગવી ચૂકેલા અને આજથી ૩૮ વર્ષ પહેલાં સેક્સ એજ્યુકેશન વિષયમાં ભારતભરનું સૌપ્રથમ ડૉક્ટરેટ (Ph.D.) કરનાર ડૉ. ભદ્રાયુ એ જણાવ્યું હતું કે, જો આપણે આપણા બાળકને પાચનતંત્ર અને શ્વસનતંત્રનું વિજ્ઞાન વગર સંકોચે સમજાવી શકતા હોઈએ, તો પ્રજનનતંત્રનું વિજ્ઞાન શીખવવામાં કે સમજાવવામાં શરમ શા માટે રાખવી જોઈએ ? તેમણે ઉમેર્યું હતું કે, પ્રજનનતંત્ર એ મનુષ્યની સમગ્ર પર્સનાલિટી ઉપર અસર કરનારું અત્યંત મહત્વનું તંત્ર છે, તેથી જ ૧૩ વર્ષથી ઉપરના કિશોરો, યુવાનો, વાલીઓ અને શિક્ષકો માટે જાતીયતા અંગેનું એક સચોટ ‘સેલ્ફ- લર્નિંગ મટીરીયલ’ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી તેમણે આ પુસ્તકની રચના કરી છે. અગાઉ ગુજરાતીમાં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘તમારી જાતને ઓળખો’ ની ૧૨થી વધુ આવૃત્તિઓની અભૂતપૂર્વ સફળતા બાદ, બદલાતા સમયમાં સોશિયલ મીડિયાના કારણે વ્યાપ્ત બનેલી યુવાનોની જાતીય મૂંઝવણોને વૈજ્ઞાનિક ઢબે દૂર કરવા માટે જ ખાસ કરીને અંગ્રેજી માધ્યમના વાચકો માટે આ સંવર્ધિત પુસ્તક ‘Know Yourself’ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બાળકથી લઈને પિતા બનવા સુધીની સમગ્ર સફરને વૈજ્ઞાનિક આકૃતિઓ સાથે તાર્કિક રીતે વર્ણવવામાં આવી છે.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન વિશેષ પેનલ ડિસ્કશનમાં તબીબી અને માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો વચ્ચે ખૂબ જ ગહન અને અર્થપૂર્ણ સંવાદ યોજાયો હતો, જેનું સંચાલન તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંવાદમાં અમદાવાદના પ્રખ્યાત પ્રસૂતિ અને સ્ત્રીરોગના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. મિતાલી વસાવડા (ગાયનેકોલોજિસ્ટ) એ તબીબી દ્રષ્ટિકોણ રજૂ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વાલીઓએ પોતાના સંતાનો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખીને જાતીય સ્વાસ્થ્ય અંગેની કોઈપણ વાત શરમમાં રાખ્યા વિના યોગ્ય અને યથાર્થ વ્યક્તિ કે તબીબને પૂછી લેવી જોઈએ, જેથી ખોટી માહિતીના શિકાર બનવાથી બચી શકાય. આ જ સંવાદને આગળ ધપાવતા સુરતના જાણીતા કાઉન્સેલર, થેરાપિસ્ટ અને સાયકોલોજિસ્ટ રશ્મિ ઝાએ માનસિક સ્વાસ્થ્યના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કર્યું હતું કે સેક્સ્યુઅલ કન્ફ્યુઝન કે કમ્પલ્ઝન જેવી આંતરિક મૂંઝવણોમાં એકલા-એકલા મૂંઝાવા કે શરમાવાને બદલે પ્રોફેશનલ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ, જે સાચું માર્ગદર્શન આપીને વ્યક્તિને સન્માર્ગે વાળી શકે છે. આ સમગ્ર પેનલ ચર્ચામાં અમદાવાદના એસોસિએટ પ્રોફેસર ડૉ. માર્ગી હાથીએ મોડરેટર તરીકે સુંદર ભૂમિકા ભજવીને સંવાદને અત્યંત રસપ્રદ બનાવ્યો હતો.

કાર્યક્રમના સમાપન અવસરે ઝેડ કેડ ગ્રુપના પ્રતિનિધિઓએ આ પ્રકારના પબ્લિક અવેરનેસ ફોરમને સપોર્ટ કરવા પાછળનો પોતાનો સામાજિક સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઝેડ કેડ ગ્રુપ સમાજમાં કોઈ ક્ષણિક કે ઉપરછલ્લો બદલાવ લાવવા કરતાં સમાજને સાચી દિશામાં દીર્ઘકાલીન રીતે ‘જાગૃત’ કરવા માંગે છે, જેથી આપણી આવનારી પેઢી એક સ્વસ્થ અને વૈજ્ઞાનિક માનસિકતા સાથે આગળ વધી શકે.

આ પુસ્તક ઝેડ કેડ પબ્લિકેશન (ZCAD Publication) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તે ઝેડ કેડ પબ્લિકેશનની સત્તાવાર વેબસાઇટ, Amazon.in અને Flipkart પર ઓનલાઇન તેમજ અગ્રણી ઓફલાઇન બુકસ્ટોર્સ પર ખરીદી માટે સરળતાથી ઉપલબ્ધ છે.