June 14, 2025

રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં

ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે 8,500થી વધુ નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતા. મકાનોનાં બાંધકામનો 50 હજાર ટન કાટમાળ એકત્રિત થયો છે. આ કાટમાળને રિયુઝ કરવા માટે તેને મ્યુનિસિપલ કોર્પોરેશનના CND( કન્સ્ટ્રકશન વેસ્ટ) વેસ્ટ પ્લાન્ટમાં લઇ જવામાં આવે છે. તેને રિસાયકલ કરીને પેવર બ્લોક, બેન્ચ, સિમેન્ટ બ્લોક અને અન્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવશે. કેટલોક કાટમાળ આગામી ચોમાસા દરમિયાન ખાડા પુરવા માટે પણ ઉપયોગમાં લેવાશે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ શહેરના ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેમાં હજારો ટન કન્સ્ટ્રક્શન વેસ્ટનો કાટમાળ એકત્રિત થયો છે. આ કાટમાળ ખસેડવાની કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 4,000થી વધુ નાના-મોટા કાચા-પાકા મકાનોને તોડવામાં આવ્યા હતા. જેના કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત 15000 ટનથી વધુ કાટમાળ અત્યારે ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો છે. ચંડોળા તળાવમાંથી જે કાટમાળ એકત્રિત થયો છે તે તમામને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. જેમાં મોટાભાગનો કન્સ્ટ્રક્શન વેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સીએનડી વેસ્ટનો પ્લાન્ટ ચાલી રહ્યો છે જેમાં એજન્સી દ્વારા પેવર બ્લોક અને બેન્ચ સહિતની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાં મોકલવામાં આવી રહ્યો છે.

કેટલોક કન્સ્ટ્રકશન વેસ્ટ આગામી ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે મૂકી રાખવામાં આવશે. કારણ કે ચોમાસા દરમિયાન શહેરમાં નાના-મોટા ખાડા પડતા હોય છે ત્યારે ડામરનો ઉપયોગ કરી તેને પૂરી ન શકાતા હોવાથી કન્સ્ટ્રક્શન વેસ્ટનો ઉપયોગ કરી ખાડા પૂરી શકાય તેના માટે ચંડોળા તળાવના કન્સ્ટ્રકશન વેસ્ટનો તેમાં ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 15,000 ટનથી વધુ કન્સ્ટ્રક્શન વેસ્ટ એકત્રિત થઈ ચૂક્યો છે. હજી પ્રથમ તબક્કાનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે જે 10,000 ટનથી વધુ હોઈ શકે છે.